‘શૌર્ય દિવસ’નો ઇતિહાસ: કચ્છના રણમાં CRPFના 150 જવાનોએ 3000 પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી હતી

Valor Day History: ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1965ના યુદ્ધ વખતે કચ્છની સરહદ પર 1965ની 9મી એપ્રિલે કચ્છના રણની સરદાર પોસ્ટ ચોકી પર પાકિસ્તાને (Valor Day History) લશ્કરી બ્રિગેડ સાથે આક્રમણ કર્યું હતું. 9 એપ્રિલના આ યુદ્ધમાં જવાનોએ આખી રાત ચોકી બચાવી રાખી હતી. યુદ્ધમાં ભારતના છ જવાન શહીદ થયા હતા તો દુશ્મનના 34 સૈનિકોનો ખાતમો કરી દેવાયો હતો અને 4ને જીવતા પકડવામાં આવ્યા હતા.

9મી એપ્રિલે વેલોર દિવસ એટલે કે CRPF વિજય દિવસ ઉજવવામાં આવ્યો
1965ના રણજંગની આ ઘટનાની યાદમાં દર વર્ષે 9મી એપ્રિલે વેલોર દિવસ એટલે કે CRPF વિજય દિવસ ઉજવવામાં આવે છે. શુક્રવારે સરદાર પોસ્ટ પાસે BSF અને CRPFના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં શૌર્ય દિવસ કચ્છ સરહદ સરદાર પોસ્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. 1965માં સરદાર પોસ્ટ યુદ્ધમાં શહી‌દ થયેલા છ CRPF જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

1965ની શરૂઆતમાં કચ્છના રણમાં સરહદી વિવાદ વકર્યો હતો. પાકિસ્તાને ભારતીય વિસ્તાર પર કબ્જો જમાવવા “ઓપરેશન ડેઝર્ટ હોક” શરૂ કર્યું હતું. આ અંતર્ગત, 9 એપ્રિલ 1965ના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે, પાકિસ્તાની સેનાની લગભગ 3000 સૈનિકો ધરાવતી એક ઇન્ફન્ટ્રી બ્રિગેડે સરદાર પોસ્ટ પર હુમલો કર્યો. સરદાર પોસ્ટની સુરક્ષાની જવાબદારી CRPFની બીજી બટાલિયનની ‘ડી’ કંપનીના આશરે 150નો સંભાળી રહ્યા હતા.

ભીષણ લડાઈ 12 કલાક સુધી ચાલી હતી
સૈન્ય ઇતિહાસમાં આ એક વિરલ યુદ્ધ હતું, જ્યાં એક દેશની ફુલ ફ્લેજ આર્મી સામે બીજા દેશના સશસ્ત્ર પોલીસ દળે મોરચો માંડ્યો હતો. સંખ્યાબળ અને શસ્ત્રસરંજામમાં ખૂબ જ ઓછા હોવા છતાં, CRPFના 150 જેટલા જવાનોએ માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની તૈયારી સાથે દુશ્મનોનો મક્કમતાથી સામનો કર્યો. આ ભીષણ લડાઈ 12 કલાક સુધી ચાલી. ભારતીય જવાનોની અદમ્ય હિંમત અને રણનીતિ સામે પાકિસ્તાની સેના ટકી શકી નહીં અને તેમને પીછેહઠ કરવાની ફરજ પડી.