ટિકટોક વીડિયો બનાવવા માટે એક યુવાને રાજકોટના કોઠારિયા રોડ પર રસ્તા વચ્ચોવચ જીપને સળગાવી દીધો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક પોતાની કાર સળગાવતો નજરે પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો રાજકોટનો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે
આ મામલે મોટો હોબાળા બાદ રાજકોટના SP એચ.એલ.રાઠોડે જીપ સળગાવવા મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઇન્દ્રજીત સિંહ અને નિમિષ ગોહેલની ધરપકડ કરવામાં આવી છે.જીપ સ્ટાર્ટ ન થતા ઇન્દ્રજીતસિંહે કોઠારીયા રોડ પર પોતાની જીપ સળગાવી હતી . જેથી ડોમેસ્ટિક પબ્લિક એક્ટ અને કલમ 285 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો નિમિષ ગોહેલે બનાવ્યો હતો. જેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટના કોઠારિયા રોડ પર સોમવારે બપોરે ફાયરબ્રિગેડ સ્ટેશન સામે જ એક વ્યક્તિએ ટિકટોક વીડિયો બનાવવા માટે પોતાની કારને આગ ચાંપી દીધી હોવાના મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક દીવાસળી વડે કાર સળગાવે છે અને ફિલ્મી સ્ટાઇલમાં ત્યાંથી ચાલ્યો જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે હાથમાં અને ગળામાં સોનાના દાગીના પહેરેલો એક યુવાન રસ્તા પર ઉભેલી જીપ કારને આગ ચાંપી રહ્યો છે. આ ઘટનામાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જીપ ચાલુ નહીં થતાં રોષે ભરાયેલા ઇન્દ્રજીતસિંહે પેટ્રોલ મગાવ્યું હતું અને જીપ પર પેટ્રોલ છાંટ્યું હતું, પોતાની જ જીપ પર પેટ્રોલ છાંટી રહેલા યુવકને જોઇ લોકોમાં કુતૂહલ જાગ્યું હતું અને શું કરશે તેવા વિચારો શરૂ થયા હતા, પરંતુ પળવારમાં જ ઇન્દ્રજીતસિંહે પોતાની જીપ પર દિવાસળી ચાંપી દીધી હતી.
સદનસીબે જીપ સળગાવી તેની સામે જ ફાયર સ્ટેશન આવેલું હોવાથી ફાયરબ્રિગેડ સ્ટાફ ફાયર ફાઇટર સાથે પહોંચ્યો હતો અને પાણીમારો ચલાવી આગ બુઝાવી નાખી હતી, જોકે ત્યાં સુધીમાં જીપની સીટ સહિતની એસેસરીઝ સળગી ગઇ હતી. આ ઘટનામાં તો પહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
ભક્તિનગર પોલીસે ઇન્દ્રજીતસિંહને અટકાયતમાં લઇ પૂછપરછ શરૂ કરી હતી. પોતાની જ જીપને આગ ચાંપનાર ઇન્દ્રજીતસિંહ ઓટોપાર્ટસની દુકાન ચલાવતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.