અમરેલી: બોરવેલમાં પડેલી દોઢ વર્ષની બાળકી હારી જિંદગીનો જંગ, 17 કલાક સુધી રેસ્ક્યૂ-ઓપરેશન બાદ મોત

Amreli Borewell Tragedy: અમરેલી જીલ્લાના સુરગપરામાં ઉંડા બોરવેલમાં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકીનુ મોત થયુ છે. ગઈકાલે બપોરે બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર વિભાગ અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે 17 કલાકના મેરેથોન રેસ્ક્યૂ ઓપરેશન(Amreli Borewell Tragedy) બાદ અંતે જિંદગી હારી ગઇ છે.ત્યારે આરોહીના મોતના પગલે તેનો પરિવાર સહીત આખું ગામ ભારે શોકમાં ગરકાવ થયું છે.

આરોહી જીંદગીનો જંગ હારી ગઈ
શુક્રવારે અમરેલીના સુરાગપુર ગામમાં ખેતમજૂરી કરતા એક પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં દોડધામ મચી ગઈ હતી. જે બાદ આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે ફસાઈ હતી. જેને બહાર કાઢવામાં માટે 18 કલાક લાંબુ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ ઓપરેશન સફળ થાય તે પહેલા જ આરોહી જીંદગીનો જંગ હારી ગઈ છે.

ઓપરેશન રાત્રિના બે વાગ્યાની આસપાસ પૂર્ણ થયુ
આ અંગે ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, બોરવેલમાં પડેલી બાળકીને જીવતી બહાર કાઢવા માટે એનડીઆરએફ ફાયર ટીમ દ્વારા અર્થાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા સાંજના સમયે રોબોટ દ્વારા બાળકીને બહાર કાઢવાનો પ્રયાસ સફળ થતો દેખાતો હતો પરંતુ અચાનક રોબોટ પણ બાળકીને બોરવેલ માંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહેતા અંતે NDRFએ ઓપરેશન શરૂ કર્યું હતું આ ઓપરેશન રાત્રિના બે વાગ્યાની આસપાસ પૂર્ણ થયુ હતુ

બોરવેલ ખુલ્લો રાખો એક મોટું પાપ
અમરેલીમાં બોરવેલમાં બાળકી ફસાવા મામલે સુરતમાં શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન આવ્યું છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, આવા બોરવેલ ખુલ્લા રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ ઘટના ખૂબ દુઃખદ છે. આ બોરવેલ ખુલ્લો રાખવો એક મોટું પાપ છે. બાળકોના જીવ જોખમમાં મુકતા હોય છે. આવી ઘટના પહેલા બનેલી ત્યારે શિક્ષકોને આહવાન કરવામાં આવ્યું હતું. બાદમાં 35 બોરવેલો પુરવામાં આવ્યા હતા. જો કોઈના બોરવેલ ખુલ્લા હોય તો અમને કહેજો અમે પુરી દઈશું.

ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ
ઉલ્લેખનીય છે કે NDRF, 108 તેમજ ફાયર વિભાગની સાથે સ્થાનિક તંત્રએ આરોહીને બચાવવા માટે ભારે મહેનત કરી હતી પરંતુ સફળતા મળી ન હતી. 18 કલાક સુધી માસૂમ મોત સામે ઝઝુમી હતી. આખરે આરોહી જિંદગી સામેની જંગ હારી ગઈ હતી. આજે સવારે જ્યારે બોરવેલમાંથી આરોહીનો પાર્થિવ દેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.