તેલંગણાના વારંગલ જિલ્લામાં તેના દાદાના મૃત્યુ પછી એક યુવકે મૃતદેહને ઘરના ફ્રિજમાં રાખ્યો હતો. ત્યારબાદ તે ઘરમાં આરામથી રહેતો હતો. જ્યારે પડોશીઓએ તેના ઘરમાંથી ખુબ જ દુર્ગંધ આવવા લાગી અને ધટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘરની તપાસ દરમિયાન ફ્રિજમાંથી વૃદ્ધની લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ યુવકને કસ્ટડીમાં લીધો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વૃદ્ધની ઉંમર લગભગ 93 વર્ષ હતી. તે વારંગલ જિલ્લાના પરકાલ ખાતે તેના પૌત્ર નિખિલ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. એવું કહેવામાં આવ્યું છે કે, તેના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. પડોશીઓને શંકા જતા તેઓએ પોલીસને જાણ કરી.
ઘટનાસ્થળે પહોંચેલા સર્કલ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર રેડ્ડીએ ઘરની તલાશી લીધી હતી. આ દરમિયાન પોલીસની ટીમે ઘરમાં રાખેલા ફ્રિજમાંથી વૃદ્ધ વ્યક્તિની લાશ મળી આવી હતી. મોતના ઘણા દિવસો વીતી જતા તેમાંથી વાસ આવવા લાગી હતી. પોલીસે તરત જ વડીલના પૌત્ર નિખિલને કસ્ટડીમાં લીધો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસમાં મોકલી આપ્યો.
પોલીસ કસ્ટડીમાં રહેલા નિખિલે પોલીસને જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા દાદાનું બીમારીના કારણે મોત થયું હતું. તેની પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા નહોતા, તેથી દાદાનો મૃતદેહ ફ્રિજમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ, પોલીસ નિખિલની વાત પર વિશ્વાસ નથી કરી રહી.
એવું જાણવા મળ્યું છે કે, નિખિલના માતા-પિતાનું થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, ત્યારબાદ તે તેના દાદા સાથે રહેતો હતો. માતા-પિતાના એકસાથે ચાલ્યા જવાથી તે ડિપ્રેશનમાં છે. અને તેની માનસિક સ્થિતિ પણ સારી નથી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. સર્કલ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર રેડ્ડીએ જણાવ્યું કે, વૃદ્ધનું મોત શંકાસ્પદ લાગે છે. વૃદ્ધના મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.