આવતીકાલે ગુજરાતના આ શહેરના લાખો લોકો રહેશે પાણી વગરના…જાણો વિગતે

Vadodara Water Cut: ભરઉનાળે આ કાળઝાળ ગરમી વચ્ચે આવતીકાલે વડોદરા શહેરમાં પાણીનો કાપ મુકવામાં આવશે. પાલિકાના પાણી પુરવઠા વિભાગે (Vadodara Water Cut) શહેરની અલગ અલગ પાણીની ટાંકી અને સંપની સફાઈ હાથ ધરી છે જે અંતર્ગત 20 તારીખે ગુરુવારે ગોત્રી ગાયત્રીનગર પાણીની ટાંકીની સફાઈ હાથ ધરી છે. જેથી ભરઉનાળે ટાંકીના કમાન્ડ વિસ્તારમાં રહેતા લોકોને પાણી નહિ મળે.

ભરઉનાળે પાણી વિના રહીશોને ભારે પરેશાની
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ટીમ દ્વારા ગુરુવારે પાણીની ટાંકી અને સંપની સફાઈ હાથ ધરવામાં આવશે. આ કામગીરીના પગલે સાંજના સમયે વિસ્તારમાં પાણીનું વિતરણ કરવામાં નહીં આવે. ગોત્રી-ગાયત્રીનગર પાણીની ટાંકીથી ગોત્રી ગામ, સેવાસી રોડ, ગોકુલનગર અને વોર્ડ 10 અને 11ના કેટલાક ભાગોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે.

પાણીની ટાંકીની સફાઈના કારણે સાંજના સમયે પાણી વિતરણ કરવામાં નહીં આવે. જેથી વિસ્તારના 50,000થી વધુ લોકોને સાંજના સમયે પાણી નહીં મળે. જ્યારે શુક્રવારે સવારે આ વિસ્તારમાં રહેતા લોકોને ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે પાણી આપવામાં આવશે તેવી પાલિકાએ જાહેરાત કરી છે. મહત્વનું છે કે એક તરફ પાણી ઓછા પ્રેશરથી મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેવામાં ભરઉનાળે પાણી વિના રહીશોને ભારે પરેશાની ભોગવી પડશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભર ઉનાળે પાલિકા દ્વારા સફાઇ કાર્ય હાથ ધરવામાં આવશે ત્યારે લોકો કહી રહ્યાં છે કે, આ કામગીરી શિયાળામાં પણ થઇ શકે છે. જો પાલિકાએ તેનું સુવ્યવસ્થિત આયોજન કર્યું હોત તો ભર ઉનાળે જે લોકો જે ટાંકીમાંથી પાણી પ્રાપ્ત કરે છે તેમને આ સંતાપમાંથી મુક્તિ મળી હોત.