દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર: સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, અઢીસો કિલોની કેક કાપી

Salangpur Hanuman Jayanti Celebrate: આજે હનુમાન જયંતીની ગુજરાતના વિવિધ હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના (Salangpur Hanuman Jayanti Celebrate) દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અમદાવાદના કેમ્પ હનુમાન, બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ સાળંગપુર, અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજી તેમજ અમરેલીનાં ભૂરખિયા હનુમાનજીના મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું કિડીયારૂ ઉભરાયું હતું.

સમગ્ર રાજ્યમાં ઉજવણી
ગુજરાતમાં આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ હનુમાનદાદાના વિવિધ મંદિરો ખાતે વહેલી સવારથીજ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં સુંદરકાંડ પાઠ, હોમ હવન, સામૂહિક ભંડારા પ્રસાદી તેમજ અનેક નાના મોટા ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે.

અમદાવાદના કેમ્પ હનુમાન, કષ્ટભંજન દેવ સાળંગપુર અને અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભગતોએ આરતીનો લ્હાવો લઇને દર્શન કર્યા હતા.

સાળંગપુર હનુમાન જયંતિની વિશેષ ઉજવણી
સાળંગપુર મંદિરમાં પરોઢિયેથી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. હનુમાન જયંતીના દિવસે સવારમાં મંગળા આરતીની લ્હાવો લેવા માટે વહેલી સવારથી જ ભક્તો પહોંચી મંદિર પહોંચી ગયા હતા. સાળંગપુરમાં દાદાના સાંનિધ્યમાં મારૂતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભક્તોને હાલાકી ન પડે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઇકાલે 11 એપ્રિલનાં રોજ રાત્રે 8.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજવામાં આવી હતી. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી તેમજ ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સિવાય આજે રાતે સાડા 8 કલાકની આસપાસ કિંગ ઑફ સાળંગપુર સમક્ષ હજારો દીવડાઓ સાથે સાંધ્ય આરતી કરવામાં આવશે. જે બાદ ભવ્ય આતશબાજી સાથે કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે. રાતે 9 કલાકે ગુજરાતી લોકગાયક જીગરદાન ગઢવી દ્વારા સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.