2015 થી ભાજપ વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા અને પાટીદાર અનામતની માગણી કરતા 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાડીદો તેવી હાંકલ કરી હતી, પરંતુ રાજકારણમાં કઈ કાયમી હોતું નથી. 2019 ની લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે પડદા પાછળથી ભાજપને મદદ કરવાનો નિર્ણય કર્યો હોવાની ચોંકાવનારી જાણકારી મળી રહી છે.
ભાજપ વિરુદ્ધ ગામે ગામ સભાઓ અને પ્રચાર કરનાર હાર્દિક પટેલે હવે શંકરસિંહ વાઘેલા સાથે હાથ મીલાવી શરદ પવારના થર્ડ ફ્રન્ટમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. બહુ જલદી હાર્દિક પટેલ NCP જોડાય તેવો અંદેશો મળી રહ્યો છે, તેની સત્તાવાર જાહેરાત પણ હાર્દિક દ્વારા ટૂંકમાં કરવામાં આવશે.
2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે ફારગતી લેનાર શંકરસિંહ વાઘેલા જાહેરમાં તો ભાજપને ગાળો આપી રહ્યા છે, પણ તેમના શબ્દો અને વ્યવહાર જૂદા છે.
ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહેલા શંકરસિંહ વાઘેલા ભાજપના માઈન્સ થઈ રહેલા મતો કોંગ્રેસ તરફ સરકી જાય નહીં તેવી ગોઠવણ કરી રહ્યા છે. બાપુ જાહેરમાં તો 2019 મા ભાજપને પાડી દેવાની વાત કરે છે, પરંતુ ગુજરાતની તાસીર પ્રમાણે જ્યારે પણ થર્ડ ફ્રન્ટ મેદાનમાં આવે ત્યારે તેનો ફાયદો ભાજપને જ થયો છે.
2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપને બચાવી લેવાની સોપારી બાપુને આપવામાં આવી છે, જેના ભાગ રૂપે બાપુ પણ બહુ જલદી NCPમાં જોડાય તેવી શકયતા છે.
જો કે બાપુનો રાજકિય સ્વભાવ સોદાબાજીને હોવાને કારણે તેઓ ગુજરાતમાં છ બેઠકોની માગણી કરી રહ્યા છે. થર્ડ ફ્રન્ટને છ બેઠકો ગુજરાતમાં મળે તો સ્વભાવીક રીતે કોંગ્રેસની છ બેઠકો ગુજરાતમાં ઓછી થાય, કોંગ્રેસ આટલી બેઠકો થર્ડ ફ્રન્ટને આપવા તૈયાર નથી. બીજી તરફ ભાજપ પણ જાણે છે કે બાપુનો કરીશ્મા હવે રહ્યો છે. માત્ર બાપુ સહારે તેઓ ભાજપને થઈ રહેલા નુકશાનને અટકાવી શકે તેમ નથી. ભાજપને એક એવા ચહેરાની જરૂર હતી કે કોંગ્રેસના મતોનું વિભાજન કરી શકે, તેના માટે હાર્દિક પટેલ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. આ સંદર્ભમાં હાર્દિક પટેલ થર્ડ ફ્રન્ટના અનેક નેતાઓ સાથે મુલાકાત પણ થઈ છે. જો કે હાર્દિક જાહેરમાં તેનો ભલે ઈન્કાર કરતો હોય પરંતુ અમદાવાદમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પણ હાર્દિક તેનો ઇનકાર કરતો હતો તે સત્ય છે.
ભાજપને પાડી દેવામાં કોંગ્રેસે 2017મા હાર્દિક પટેલનો સહારો લીધો હતો. 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલે જે નામ આપ્યા હતા તેવા પાટીદાર નેતાઓને કોંગ્રેસ ટીકીટ પણ આપી હતી. પણ ક્રમશ હાર્દિકની વિવિધ માગણીઓમાં વધારો થઈ રહ્યો હતો. મધ્ય પ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ હાર્દિકે 12 ટીકીટની માગણી કોંગ્રેસ પાસે કરી કરી હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા એક પણ ટીકીટ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો જેના કારણે કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે હવે સાફ અંતર થઈ ગયુ છે. જેના કારણે હવે હાર્દિક કોંગ્રેસને બતાડી દેવાના મૂડમાં છે. કોંગ્રેસ સાથે હાર્દિકે કરેલા ગઠબંધનને કારણે હાર્દિકના અનેક જુદા સાથીઓ સાથ છોડી દીધો હતો.
પણ હવે હાર્દિકે શંકરસિંહ સાથે મળી નવી વ્યુહ રચના ઘડી કાઢી છે. આમ બાપુ અને હાર્દિક જાહેરમાં ભાજપનો વિરોધ કરશે પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખી કોંગ્રેસના મતોનું ધોવાણ કરશે. હાલમાં બાપુ અને હાર્દિક તેમની નીકટતા અંગે જાહેર કઈ કહેવા તૈયાર નથી, પણ આ વાત હવે છાની રહે તેવી નથી. આગામી બે-ત્રણ દિવસમાં જ હાર્દિક અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ગ્રીનવુડનો બંગલો ખાલી કરી ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના નામે આવેલો સેક્ટર 19ના બંગલામાં રહેવા જઈ રહ્યો છે. હાલમાં આ બંગલાની સાફ સફાઈ ચાલી રહી છે અને બંગલા ઉપર લાગેલી મહેન્દ્રસિંહ વાઘેલાની નેઈમ પ્લેટ પણ ઉતરી ત્યારે છત્રપતિ નિવાસ લખાઈ જશે.
હાર્દિક પટેલનો આ વ્યવહાર પાટીદારો અને તેમના સમર્થકોને આઘાત જરૂર આપશે પરંતુ 1974મા થયેલા નવનિર્માણ આંદોલનના અનેક નેતાઓ આ પ્રકારે જ સરકારમાં ગોઠવાઈ ગયા હતા, જયારે કોઈ પણ આંદોલન શરૂ થાય ત્યારે ત્યારે તેના યુવા નેતાઓના ઈરાદા સારા જ હોય છે, પરંતુ આંદોલનને કારણ મળતી લોકપ્રિયતા અને તેના દ્વારા મળતા વિવિધ લાભથી પોતાને બચાવી શકતા નથી, કદાચ હાર્દિક પણ પોતાને તેનાથી દૂર રાખી શક્યો નહીં.
(પ્રશાંત દયાળ)