36 કરોડની મગફળી બળ્યાં બાદ કોઇ કારણોસર મરચાની 4 હજાર જેટલી ગાંસડીઓમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા એક કરોડ રૂપિયાનું મરચું બળી ગયું છે.
રાજકોટ-જેતપુર હાઈવે ઉપર આવેલા નવા માર્કેટીંગ યાર્ડના મરચા વિભાગમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. આગને કાબુમાં લેવા માટે ગોંડલના બે ફાયર ફાઈટર અને રાજકોટથી પણ ફાયર ફાઈટરની ટીમ બોલાવાઈ છે. ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડના મરચા વિભાગમાં વેપારીઓની ૧૦૦૦ જેટલી મરચાની બોરીઓ પડી હતી. જેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતા ગોંડલથી ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગને કાબુમાં લેવા માટે રાજકોટથી પણ ફાયર ફાઈટરની ટીમ પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવા કામગીરી કરી રહી છે. મરચા વિભાગમાં અચાનક પ્રસરી જતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગોંડલ માર્કેડ યાર્ડમાં આજે બુધવારે બપોરના સમયમાં મરચા વિભાગમાં રાખેલા મરચાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. ખુલ્લામાં પડેલા મરચાના ઢગલામાં આગ લાગતા પવનના સંપર્કમાં આવતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખુલા પટમાં પડેલા મરચાની ખાંસડીઓમાં આગ લાગવાથી આગના ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર બ્રિગેડના બે ફાયર ફાઇટરો અને એક રાજકોટથી ફાયર ફાઇટર દોડી ગયું હતું. સતત પાણીનો મારો ચલાવી બેથી અઢી કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગથી ખેડૂતો અને વેપારીઓને લાખોનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. સૂકા મરચાની ગાંસડીમાં આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેમજ એકથી સવા કરોડના મરચા ખાખ થયાનું જાણવા મળ્યું છે. આવતીકાલે મરચાની હરાજી બંધ રાખવામાં આવશે તેવી યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ આ અંગે ત્રિશુલ ન્યુઝ સાથે કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખ અને ખેડૂત નેતા હર્ષદ રીબડીયા એ વારંવાર ખેડૂતોને નુકસાન કરતી ઘટનાનો ખ્યાલ કૃષિ મંત્રી રાખી નથી શકતા તેમને રાજીનામુ દઈ દેવું જોઈએ.
મરચાની હજારો ગાંસડીમાં આગ લાગતા જ ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા અને દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ધૂમાડાથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને આંખમાં બળતરા થઇ હતી તેમજ ગળામાં અસર થઇ હતી. આગને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇના જણાવ્યું હતું કે, આ સીઝનમાં મરચા ખુલ્લા પટમાં આવી રાખવામાં આવે છે. પરંતુ કોઇ કારણસર મરચાના ઢગલામાં આગ લાગી હતી. આગ કાબૂમાં આવ્યા પછી જ કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ લગાવી શકાશે. બે શખ્સોને યાર્ડના ચેરમેન જયંતી ઢોલે પૂછપરછ માટે બોલાવ્યા છે.
પરેશ વાડોદરીયા નામના વેપારીએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં આકસ્મિક આગનો બનાવ બન્યો છે. હાલ આગ પર આંશિક કાબૂ મેળવાયો છે. યાર્ડમાં 30 હજાર ભારીની આવક હતી. જેમાં એક વિભાગમાં આગ લાગતા 4 હજાર ભારી બળીને ખાખ થઇ ગઇ છે. એક ભારીમાં 35 કિલો વજન હોય છે જેને લઇને અંદાજીત સવા કરોડનું નુકસાન થયું છે. મરચા વેપારી અને ખેડૂતોના હતા.
ધોરાજીમાં સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનરોની બેઠકમાં હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલ ગોંડલ આવી પહોંચ્યો હતો. ગોંડલમાં લાગેલી આગ અંગેની વિગત લીધી હતી.
હાર્દિકે જણાવ્યું હતું કે, હું નજીકમાં ધોરાજી હતો ત્યારે આગ લાગવાની જાણ થતાં જ અહીં આવ્યો. મરચાની 4000 બોરીઓ સળગી ગઈ છે. નવાઈની વાત છે કે અવારનવાર ગોંડલમાં જ આવું થાય છે અને તેની યોગ્ય તપાસ પણ થતી નથી. આ બધી ખેડૂતોને પાયમાલ કરવાની વાત છે. Apmcના જવાબદાર અધિકારીઓના કૌભાંડો દેખાઈ રહ્યા છે. મગફળીના કૌભાંડોની તપાસ પૂરી થાય તે પહેલાં મરચાનું કૌભાંડ સામે આવી ગયું. મને લાગે છે કે મગફળીનો ઓળો બનતો તો તેમાં મરચાની જરૂર હોવાથી મરચાનું કૌભાંડ સામે આવ્યું છે. જે ખરેખર ખૂબ દુઃખની વાત છે.