ગુજરાતમાં પ્રચંડ ગરમી: સૌરાષ્ટ્ર-કચ્છ 44 ડિગ્રી સાથે બન્યું અગનભઠ્ઠી, જાણો હીટવેવથી બચવાના ઉપાયો

Gujarat Heat Wave: અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી નોંધાતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી હતી. એટલું જ નહીં, લઘુત્તમ તાપમાન (Gujarat Heat Wave) વધીને 25.3 ડિગ્રીએ પહોંચતા રાત્રે પણ લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો પણ ગરમીથી દાઝ્યા હતા.આગામી ૩ દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રી થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 42.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

સતત બીજા દિવસે ગરમી વધી
સતત બીજા દિવસે કંડલા એરપોર્ટ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કંડલા એરપોર્ટ 45.2 ડિગ્રી સાથે રાજ્યનું ગરમ શહેર બન્યું હતું. એ સિવાય ભુજમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટમાં 44.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44 અને અમરેલીમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ઉત્તર ગુજરાતમાં ડિસાનું મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળાયા હતા.

લોકોની હાલત કફોડી બની
ઉલ્લેખનીય છે કે, આ વખતે ગુજરાત રાજ્યમાં ઉનાળાની ગરમી નવા રેકોર્ડ બનાવી શકે છે. કારણ કે, માર્ચ મહિનાની શરૂઆતમાં એપ્રિલ જેવી અને એપ્રિલ મહિનાની શરૂઆતમા એપ્રિલના અંત અને મે મહિના જેવી ગરમી શરૂ થતાં લોકો તોબાહ પોકારી ગયા છે.

આજે સાત જિલ્લામાં રેડ એલર્ટ
સળંગ ત્રીજા દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધારે હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં બે દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી થઈ શકે છે. મંગળવારે (આઠમી એપ્રિલ) કચ્છમાં રેડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબીમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

હીટવેવને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી. જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા, જિલ્લામાં સ્કૂલોનો સમય બપોરે નહીં રાખી સવારનો જ રાખવા, રેલવે સ્ટેશન,બસ સ્ટેશન, બજારોમાં સ્વૈ.સંસ્થા મારફત પાણી-છાશના પરબ શરૂ કરાવવા સહિતની સૂચનાઓ જારી કરી છે. અતિશય અસામાન્ય અગ્નિવર્ષામાં બપોરે ખરેખર હીટવેવ એક્શન પ્લાનમાં કેટલા એક્શન લેવાય છે. તેની મહાપાલિકા,આરોગ્ય અધિકારીઓ, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત તંત્રોએ કમસેકમ એ.સી.કારમાં બપોરના સમયે નીકળીને સ્થિતિ જોઈ-જાણી પગલા લેવાની જરૂર છે.

હીટવેવથી બચવાના ઉપાયો
સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવું.
હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું.
બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા.
બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો.
હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.
બાળકો માટે કેસુડાનાં ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.