ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડ્યો ભારેથી અતિભારે વરસાદ

Gujarat Heavy Rain News: ગુજરાત રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ચોમાની લગભગ શરૂઆત થઇ ગઈ છે, જેથી ગુજરાતવાસીઓને ગરમી અને બફારાથી રાહત મળી છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના કારણે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક જિલ્લાઓમાંભારે વરસાદની આગાહી(Gujarat Heavy Rain News) આપી છે, અમદાવાદ સહીત અનેક શહેરમાં ધોધારમાર વરસાદ વરસી શકે છે. રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. તો બીજી તરફ ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા પણ સામે આવી હતી.

હવામાન વિભાગ પાસેથી મળેલી જાણકારી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં તાલુકામાં વરસેલા વરસાદના આંકડા 
ટંકારા 109, કોડિનાર 78, ગોંડલ 74, જૂનાગઢ 71, દાંતા 58, જેતપુર 49, સાપુતારા 47, કાલાવડ 42, મેંદરડા 42, પાટણ-વેરાવળ 32, વાંકાનેર 32, ઈડર 31, ઉમરપાડા 29, મોરવા હડફ 29, માંગરોળ 28, હળવદ 25, ડભોઈ 25, છોટાઉદેપુર 25, લાલપુર 24માં વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે જ અમરેલી જિલ્લાના ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધારીના ફાસરિયા, ગીગાસણ, કાગસા, સરસિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણીયા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. જો કે સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. મોરબીના ટંકારામાં સૌથી વધુ સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કોડીનારમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ગોંડલ અને જૂનાગઢમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.

આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. આજે એટલે કે ગુરુવારે બનાસકાંઠા, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.