આગામી 7 દિવસમાં ગુજરાતમાં ગરમીની સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી

Weather in Gujarat: ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં થોડા ફેરફાર આવી રહ્યા છે. આજે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું (Weather in Gujarat) હવામાન કેવું રહેશે, વાદળ છવાયેલા રહેશે કે તાપમાન કે ઠંડી વધશે તે અંગેની હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે તે જોઈએ.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાત દિવસ માટે હવામાન શુષ્ક રહેશે. આગામી સાત દિવસ ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ થવાની શક્યતા નથી. આ સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે દિવસ ફોલિંગ ટેન્ડેન્સીમાં જોવા મળશે. જે બાદ ફરીથી તાપમાન વધવાની શક્યતા છે.આ સાથે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. આજે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળો દેખાશે અને આવતીકાલથી વાદળો ઓછા થતા રહેશે.

શહેરોનું તાપમાન
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે નલિયામાં 16.8, રાજકોટમાં 18 ડિગ્રી, ડીસામાં 18.1, ગાંધીનગરમાં 18.6, વડોદરામાં 19 ડિગ્રી, અમદાવાદમાં 19.9 અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું છે.અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં અમદાવાદમાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન જવાની આગાહી છે. આ સાથે બંને શહેરોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી થશે તેમ જણાવ્યું છે.