કેરલા: પોલીસને ગુનાનો ભેદ ઉકેલવા માટે કેવી કેવી ટેક્નિકનો સહારો લેવો પડતો હોય છે એનું ઉદાહરણ કેરળમાંથી સામે આવ્યો છે. બહુચર્ચિત એવા ઉતરા મર્ડરકેસને સોલ્વ કરવા માટે કેરળ પોલીસે ઝેરી કોબરા અને મહિલાના નકલી હાથનો સહારો લીધો હતો. આખો ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે પોલીસે કોબરા પાસે નકલી હાથને ડંખ પણ મરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉતરાના પતિ સૂરજે તેનો ગુનો કબુલ કરી લીધો હતો. હવે તેની સામે પુરાવા એકઠા કરવા માટે પોલીસે આ અનોખી કહી શકાય એવી ટેક્નિકનો સહારો લીધો હતો.
ઉતરાનું ગયા વર્ષે તેનાં માતાપિતાના ઘરે જ મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કોબરાના કરડવાથી તેનું મોત થયું હતું. આ ઉપરાંત પોલીસને તેના રૂમમાંથી મરેલો કોબરા પણ મળી આવતા આ કેસ અકસ્માત જેવો લાગતો હતો. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઉતરાને થોડા મહિના પહેલાં જ અન્ય સાપ પણ કરડ્યો હતો, જેને કારણે ગંભીર રીતે બીમાર થયા બાદ તે તેના પિયરમાં રહેતી હતી. ત્યાં જ ફરી કોબરા કરડતાં પોલીસે તેના પતિ સૂરજ પર શંકા રાખીને તેની આકરી પૂછપરછ શરુ કરી હતી.
પતિએ ગુનાની કબુલાત કરીને જણાવ્યું હતું કે, તે સુરેશ નામના વ્યક્તિ પાસેથી કોબરા લાવ્યો હતો. તેમજ ઈન્ટરનેટ પર પણ સાપ અને એના ઝેર વિશે રિસર્ચ કર્યા પછી જ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી પતિ તેની પત્નીથી છુટકારો મેળવવા માગતો હોવાથી તેણે હત્યાને અકસ્માતમાં દર્શાવ્યો હતો. જોકે હવે તેને કોબરા આપનાર શખસ પણ સરકારી સાક્ષી બની જતાં હત્યા મામલે વધુ સાંયોગિક પુરાવા ભેગા કરવા પોલીસે ઝેરી કોબરાના ડંખની કયા સંજોગોમાં કેવી અને કેટલી અસર થાય છે એ જાણવા આખો સીન જ રિક્રિએટ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.