હે સરકાર દાખલો બેસાડો! બાકી પબ્લિક આમ જ મરતી રહેશે!

2024 Rajkot Gaming zone fire: હાલમાં રાજકોટ અગ્નિકાંડ બહુ ચર્ચિત બન્યો છે. ત્યારે TRP ગેમઝોનના માલિકની શું તાકાત છે એ એક તસ્વીર પરથી લગાવી શકાય છે. ત્રિશુલ ન્યુઝને એક તસ્વીર મળી છે જેમાં, રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસ પી બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, ડીસીપી ઝોન-1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓ જોવા મળી રહ્યા છે.

આ અધિકારીઓને હેલ્મેટ સાથે જોઈ શકાય છે. જયારે ગેમઝોનના માલિકોએ બૂકે આપી સાહેબોનું સ્વાગત કર્યું હતું. આવા ગેરકાયદે કર્યો જેમનું અટકાવવાનું કામ છે એ જ અધિકારીઓ અહિયાં સામુહિક રીતે પહોંચે તે શું સૂચવે છે એ નાગરિકો જાણે જ છે. એક કલેકટર, SP ને નાગરિકે મળવું હોય તોય મોઢે ફીણ આવ જાય છે ત્યારે મંત્રી સંત્રી આવે ત્યારે ભેગા થતા આ અધિકારીઓ એકસાથે મોજ કરવા ભેગા થાય એ જ આ ગેમ્ઝોન માલિકની તાકાત અને સાંઠગાંઠ સૂચવે છે.

કહેવાય છે કે IAS IPS બનવા બહુ મહેનત કરવી પડે. IAS IPS ઓફિસરો બહુ હોંશિયાર હોય છે. આ તસવીરને જોતા દરેક જાગૃત નાગરિકના મનમાં પ્રશ્નો તો ઉઠતો હશેકે શું તપાસ સમિતિ આ અધિકારીઓને પણ ગેમ ઝોનની પરવાનગી આપવા બાબતે સવાલ કરશે? જ્યારે આ અધિકારીઓ મોજ માણવા માટે અને મહેમાનગતિએ ગેમ ઝોનમાં મોજ કરવા ગયા ત્યારે તેમના મનમાં સવાલ નહીં ઉઠ્યો હોય કે આ પરવાનગી ક્યારે અપાઈ? શું તેમના મનમાં એમ નહિ થયું હોય કે અહિયાં આટલું બધું બાંધકામ, ટાયર છે તો ફાયર સેફટી ક્યાં કે? એન્ટ્રી એક્ઝીટ અંગે પણ વિચાર નહિ આવ્યો હોય?

ઉલ્લેખનીય છે કે, ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ (Vajubhai Vala Rajkot) આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે, રાજકોટ માટે આ ખૂબ દુઃખદ અને કલંકિત દિવસ છે. રાજકોટ મહાનગરપાલિકાએ ભૂલ સ્વીકારવી પડશે. અધિકારીઓના પાપે જ આ અગ્ની કાંડ (2024 Rajkot Gaming zone fire) થયો છે. રાજકોટ મહાનગરપાલિકાની નિષ્કાળજી રહી છે. કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય કોર્પોરેશનની મંજૂરી જોઈએ. મહાનગરપાલિકાએ ભૂલ સ્વીકારવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવાની જવાબદારી મનપાની છે. જિંદગીમાં થયેલી ભૂલની કબુલાત નહીં કરીએ તો એવી ભૂલનું પુનરાવર્તન થયા જ કરશે. અધિકારીઓ સામે પણ પગલાં લો. આપણે એવું ન કહેવાય કે પરવાનગી નહોતી આપી એટલે અમારો કોઈ રોલ નથી પરવાનગી નહોતી આપી તોય ત્યાં ગેમઝોન હતું, તો તમે ધ્યાન શું રાખ્યું?

ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે એફઆઇઆર દાખલ કરી છે અને છ થી વધુ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. ત્યારે આ એફઆઇઆર માં હજુ સુધી કોઈ અધિકારીઓનું નામ લેવામાં આવ્યું નથી. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ હજુ સુધી ફોટોમાં રહેલા અધિકારીઓની કોઈ પૂછપરછ કરાઈ હોવાનું ધ્યાને આવ્યું નથી. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર SIT દ્વારા આ અધિકારીઓની પૂછપરછ કર્યા બાદ આગળના પગલા લેવામાં આવશે.

ગઈકાલે 26 મે, 2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી કરી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ મનપા અને ગુજરાત સરકારના વકીલોને આજે હાજર રહેવા આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઘટનાસ્થળે સૌ પ્રથમ પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સીડી પર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને એક મિનિટમાં આગ છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. ગેમઝોનમાં રબર-રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. અંદાજે 2500 લિટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાર ઝોનમાં ફરતે હજારથી વધુ ટાયરનો જથ્થો જ્યારે લોખંડ અને પતરાંના સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટના પાર્ટિશનને લીધે આગ લાગી તેની માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી.