કોરોના (Corona)ના 2 વર્ષ બાદ હવે દરેક જગ્યાએ જવાની છૂટ આપવામાં આવી છે. એવામાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રિ(Chaitri Navratri) શરુ થઈ રહી છે. મહાશક્તિના આ પવિત્ર સમયગાળા દરમિયાન શક્તિપીઠ પાવગઢ(Pavgarh) ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કોરોનાકાળ બાદ પ્રથમ વખત છૂટ મળતા આ વખતે 15 લાખથી વધુ ભક્તો ચૈત્રી નવરાત્રિએ ઉમટી પડવાની શક્યતાઓ છે. જેને લઈ ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
કોરોનાના બે વર્ષ બાદ લંડનથી દર્શને આવ્યો પટેલ પરિવાર:
હજી તો આવતીકાલથી ચૈત્ર નવરાત્રી શરુ થઈ રહી છે. એ પહેલા જ એટલે કે આજે શુક્રવારના રોજ અમાસના દિવસે શક્તિપીઠ પાવગઢ ખાતે 1 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. દેશ પરદેશ સહિત પાડોશી રાજ્યોથી પણ શ્રદ્ધાળુઓ મહાકાળીના દર્શન માટે પાવગઢ ખાતે આવતા હોય છે. મૂળ વડોદરાના અને હાલ લંડન ખાતે સ્થાયી થયેલા પટેલ પરિવાર પણ મહાકાળી માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેઓના કુળદેવી હોવાના કારણે આ પરિવાર દર વર્ષે મહાકાળી માતાના દર્શનાર્થે પાવગઢ આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આવી શકયા નહોતા. તેથી પરિવારે આ વખતે મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સિવાય આવા ઘણા પરિવારો દર્શનાર્થે આવતા હોય છે.
ભક્તો જ્યોત લઈને વતન જાય છે:
ચૈત્રી નવરાત્રિના આ પવિત્ર સમયગાળા દરમિયાન પાવાગઢ ખાતે દર્શન કરવા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી મોટેભાગે ભક્તો આવતા હોય છે. આ રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે અને બાદમાં તેનું વિસર્જન પણ થાય છે. તેથી પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.
કોરોના કાળ બાદ પ્રથમ વખત મંદિર ચૈત્રી નવરાત્રી દરમ્યાન ખુલ્લું રહેવાને કારણે અંદાજીત 15 લાખ થી વધુ ભક્તો ઉમટી પડવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ સુવિધાઓનો ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં એસ.ટી.બસો ની વ્યવસ્થા, મેડિકલ ટિમની વ્યવસ્થા સહિત પોલીસ બંદોબસ્ત માટે 3 ડીવાયએસપી, 9 પીઆઇ સહિત એક હજાર કરતા વધુ જવાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષાને ને ધ્યાનમાં રાખી પાવાગઢ બસ સ્ટેશનથી માંચી સુધી જવાના રસ્તા પર ખાનગી વાહનો ની અવરજવર બંધ કરાવવામાં આવી છે જયારે એસ ટી વિભાગ દ્વારા વધારાની બસો મુકવામાં આવી છે જેને લઈને યાત્રિકો સરળતાથી માંચી સુધી પહોંચી શકે. આ રીતની દરેક સગવડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.