ગુજરાતમાં ક્યાંક વૃક્ષો ધરાશાયી, તો ક્યાંક પાણી ભરાયા; ભારે પવન સાથે 60 તાલુકાઓમાં ધોધમાર વરસાદ

Monsoon in Gujarat: રાજ્યમાં ધીમે-ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે, જેમાં અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ થઇ રહ્યા છે. આ વરસાદમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોંડલ તાલુકાના વેજાગામમાં વરસતા વરસાદની(Monsoon in Gujarat) વચ્ચે વૃક્ષ પર વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગોંડલ પંથકમાં પડેલા વરસાદની સાથે વીજળી પડવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. તો બીજી તરફ વડોદરામાં વૃક્ષ ધરાશય થવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

વૃક્ષ ધસી પડતા જાનહાની સર્જાઈ
હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારની જાહેર રજાના દિવસે પુરઝડપે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષ ધસી પડયા હતા.જેમાં ઝઘડિયા પંથકમાં વૃક્ષ નીચે દબાઈ જતા બે પૈકી એકનું મોત થયું હતું જયારે એકને ઈજા થઈ હતી.ત્યારે વરસાદની સીઝનમાં વરસાદની બીજી બેટિંગમાં વૃક્ષ ધસી પડવાની ઘટનામાં જાનહાની થવાનું યથાવત રહ્યું છે.

વીજળીના ચમકારા કેમરામાં થયા કેદ
ગોંડલ તાલુકાના વેજાગામના શંકર ભગવાનના મંદિર પાસે આવેલા પીપળાના વૃક્ષ પર વરસતા વરસાદમાં વીજળી પડી હતી. આ અંગે વેજાગામ સરપંચના પ્રતિનિધિ જીતુભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, બપોર બાદ આશરે 4 વાગ્યાની આસપાસ વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પીપળાનું વૃક્ષ સામાન્ય એવું બળ્યું પણ છે. નજીકમાં નદી હોવાથી નદીમાં વીજળી પડી હોવાનું અનુમાન છે. વધુમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ વેજાગામની નદીમાં વરસાદના કારણે પુર જોવા મળ્યું હતું.

NDRFની સાત ટીમોને તેનાત કરવામાં આવી
રાજ્યના હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને અત્યારસુધીમાં કુલ 7 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જેથી કુદરતી આફતની પરિસ્થિતિમાં રાહતકાર્ય કરવામાં આસાની રહે.

વરસાદની ધમાકેદાર એન્ટ્રી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે.