સુરત બાદ નાગપુરમાં સ્કોડા કારે 6 લોકોને હવામાં ફંગોળ્યા, વિડીયો જોઈ તમે પણ હચમચી જશો

Nagpur Accident: ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રના નાગપુરમાંથી હીટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. જેમાં એક ફૂલ સ્પીડે આવતી સ્કોડા કારે રોડ કિનારે ઉભેલા 6 લોકોને ટક્કર મારી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકો ઘાયલોની(Nagpur Accident) મદદ માટે દોડી આવ્યા હતા. અને ત્યાર બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?
શનિવારે બપોરે એક પૂરપાટ ઝડપે આવતી સ્કોડા કારે 6 લોકોને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. તે જોઈ શકાય છે કે કેટલાક લોકો રસ્તાની બાજુમાં ઉભા છે, ત્યારે એક ઝડપી કાર આવે છે અને તેમને જોરથી ટક્કર મારે છે.

તમને જણાવી દઈએ કે આ મામલો નાગપુરની કેડીકે કોલેજ પાસેનો છે. આ ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. ડ્રાઈવર દારૂના નશામાં હતો કે કેમ તે જાણવા મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ નાગપુરના નંદનવન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ તથ્ય કાંડ જેવો જ એક મામલો હાલમાં પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એક કાર ચાલકે 7 લોકોને હવામાં ફંગોળી દીધા હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

તાજેતરમાં પુણેથી પણ અકસ્માતનો એક કિસ્સો સામે આવ્યો હતો
તાજેતરમાં જ મુંબઈ-બેંગલુરુ હાઈવે પર એક કાર અકસ્માત થયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં દેખાઈ રહ્યું છે કે એક કારે રસ્તાના કિનારે ઉભેલી મહિલાને કચડી નાંખી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની ટક્કરથી મહિલા કેટલાય ફૂટ દૂર પડી ગઈ હતી. આ પછી કાર એક દુકાનમાં ઘૂસી ગઈ.