કહેવાય છે કે, માં તે માં બીજા બધા વગડાના વા.. પરંતુ, ઘણા કિસ્સામાં માતા વૃદ્ધ થયા બાદ તેની સંભાળ રાખવાને બદલે તેના કપાતર પુત્રો માર મારતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ રાજકોટ માંથી સામે આવ્યો છે જેમાં પુત્રએ પોતાની જનેતાને મારી નાંખીને તેને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. રાજકોટમાં 27-9-2017ના રોજ અગાસીના ચોથા માળેથી ફેંકી દઈ માતાની પુત્રએ હત્યા કરી હતી. એક વૃદ્ધાએ ઉપરથી પડીને આત્મહત્યા કર્યાના બનાવમાં ‘તીસરી આંખે’ પુત્રનો ભાંડો ફોડી નાંખતા પુત્ર જેલ ભેગો કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, હાલ કપાતર પુત્રને કોર્ટે તેના પાપની સજા આપી છે. વૃદ્ધ માતાની હત્યા કરનારા પુત્ર સંદીપ નથવાણીને આજીવન કેદની સજા નામદાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટની અગાસી પરથી પથારીવશ વૃદ્ધ જનેતાને ઠંડા કલેજે ફેંકી મોતને ઘાટ ઉતારનારો કપાતર પુત્ર હવે આખી જિંદગી જેલના સળિયા પાછળ રહેશે.
આ ઉપરાંત આરોપી પુત્ર સંદીપ નથવાણીનો કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોકટર, પોલીસ, ફ્લેટ ધારક, આરોપીની બહેન-બનેવી મળી કુલ 28 લોકોના મૌખિક જુબાની અને પુરાવા સહિતની હકીકતો ધ્યાને રાખી ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ પી.એન.દવ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા કરવામાં આવી છે.
મળત માહિતી મુજબ, રાજકોટમાં 150 ફૂટ રોડ નાણાવટી ચોક પાસે આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં ત્રણ મહિના પહેલા એક વૃદ્ધા જયશ્રીબેન નથવાણીએ પોતાના એપાર્ટમેન્ટના ચોથે માળેથી પડીને આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં સીસીટીવી ફૂટેજમાં એ આત્મહત્યા નહિં પણ હત્યા હોવાનું રહસ્ય સામે આવ્યું હતું. આ વિસ્તારના એક જાગૃત નાગરિકે મહિલાના મોત પછી જિજ્ઞાસાવશ ફલેટની સામે આવેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
તેના સીસીટીવી ફૂટેજમાં તે આત્મહત્યા નહિં પણ હત્યા હોવાના જબરદસ્ત પૂરાવો હતો. આ નાગરિક દ્વારા પોલીસને એક પત્ર લખી પોલીસ કન્ટ્રોલમાં આ ઘટના વિશે જાણ કરવામાં અવી હતી. પછી પોલીસે પ્રોફેસર પુત્ર સંદીપ નથવાણી ઉપર વોચ ગોઠવી હતી. તે પછી સીસીટીવી ફૂટેજને આધારે તેને દબોચીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.
હૈયું કંપાવી દે તેવી ઘટનામાં ખોળાનો ખુંદનારજ યમદૂત બન્યો હોવાનું જોવા મળ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધા જયશ્રીબેન અતિ બીમાર હોવાનું અને ટેકા વગર ચાલી શકતા પણ ન હોવાનું જાણવા મળ્યું હતું. પુત્ર સંદીપ તેમને પકડીને ટેકો આપીને ચોથે માળે લઈ જતો સીસીટીવી ફૂટેજમાં ઝડપાઈ ગયો હતો. આ ઉપરાંત ઘટના સમયે પુત્રના મોબાઈલનું લોકેશન બરોબર ધાબા ઉપર જ મળ્યું હતું.
પોલીસની તપાસ દરમિયાન પુત્ર સંદીપ ભાંગી પડ્યો હતો. ત્યારે તેણે કબુલ્યું કે, પોતે માતાની અતિ લાંબી બીમારીથી સેવા ચાકરી કરીને કંટાળી ગયો હતો. આ ઉપરાંત દરરોજનો ઘર કંકાસ અને સામાજિક પ્રશ્નો પણ જવાબદાર હતા. તેણે જ તેની માતાને ઉપરથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસ દ્વરા પુરાવા અને પુત્ર સંદીપના બયાનને આધારે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.