મહેસાણા(Mehsana): આપણા ભારત દેશને ધાર્મિક દેશ માનવામાં આવે છે. ભારતમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો આવેલા છે. તેમજ દરેક મંદિરો પાછળ કોઈને કોઈ રસપ્રદ કહાની જોડાયેલી જ હોય છે. ત્યારે હાલ આપણે એવા જ એક મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ મંદિર છે મહેસાણા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર(Bahucharaji Temple). જાણવા મળ્યું છે કે, આ મંદિરે 347 વર્ષ જૂની પરંપરા મુજબ શિયાળામાં બહુચરાજી માતાને રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. રસ રોટલી પ્રસાદની પરંપરા આજે પણ જાળવી રાખી છે.
આ અંગે લોકોનું કહેવું છે કે, માતા બહુચરે પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા ભર શિયાળે જ્ઞાતિ ભોજન કરાવ્યું હતું. ત્યારે આ 347 વર્ષ અગાઉની શ્રદ્ધા આજે પણ બહુચરાજી મંદિરે માગશર સુદ બીજના દિવસે જાળવી રાખવામાં આવી છે. આનંદ ગરબા મંડળ દ્વારા માગશર સુદ બીજના દિવસે સાંજે મા બહુચરને પ્રસાદ ધરાવી માઇભક્તોને આપવામાં આવે છે. જોકે ગઈકાલે માગશર સુદ બીજના દિવસે બહુચરાજી મંદિર દ્વારા રસ રોટલીનો પ્રસાદ ધરાવાયો હતો.
કેવી રીતે પડી પરંપરા:
માન્યતા અનુસાર, 347 વર્ષ પહેલા બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, મારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી.
આ દરમિયાન માતાજીએ કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. માગસર માસ હોવા છતાં જ્ઞાતિજનોએ ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું હતું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે, માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા.
આ સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું હતું. આ દિવસે માગસર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી. બસ, ત્યારથી આ પરંપરા પડી. આ પરંપરાને એક ચમત્કારિક પરંપરા કહેવાય છે. આ પરંપરાને આજે પણ બહુચરાજી મંદિર દ્વારા અનુસરવામાં આવે છે. ભરશિયાળે માતાજીને કેરીના રસ અને રોટલીનો પ્રસાદ ચઢાવાય છે. સંધ્યા આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.