ભારતમાં યોગની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનના દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે.
જાણો 21 જૂન શા માટે યોગ દિન?
21 મી જૂનના રોજ યોજાયેલી ઇન્ટરનેશનલ યોગા ડેનું કારણ એ છે કે, આ દિવસ ગ્રીષ્મ સંક્રાતિ હોય છે. આ દિવસે, સૂર્ય ધરતીનીથી ઉત્તરથી દક્ષિણ તરફ જવાનું શરૂ કરે છે. એટલે કે, સૂર્ય જે ઉત્તર ગોળાર્ધની સામે હતું, ત્યારથી દક્ષિણ ગોળાર્ધમાં વૃદ્ધિ થવાનું શરૂ થઈ જાય છે. યોગાના પરિપ્રેક્ષ્યમાં, આ સમય સંક્રમણ સમય છે, એટલે કે પરિવર્તન માટે વધુ સારું સમય. ગ્રીષ્મ સંક્રાતિનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 69મા સત્રને સંબોધન કર્યું હતું, ત્યારે તેમણે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા અપીલ કરી હતી. તેના પગલે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય રાષ્ટ્રોએ 11 ડિસેમ્બર, 2014ના રોજ 177 સહ-પ્રાયોજક રાષ્ટ્રોની સાથે સર્વસંમતિથી 21 જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાના ઠરાવને મંજૂરી આપી હતી. આ ઠરાવમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ સ્વીકૃતિ આપી હતી કે યોગ સ્વાસ્થ્ય અને સુખાકારી માટેનું સંપૂર્ણ વિજ્ઞાન છે. યોગ જીવનના તમામ ક્ષેત્રોમાં સંવાદિતતા પણ લાવે છે અને એટલે તે રોગનિવારક, સ્વાસ્થ્ય સંવર્ધક તરીકે પ્રસિદ્ધ છે. તે જીવનશૈલી સાથે સંબંધિત ઘણી સમસ્યાનું મેનેજમેન્ટ કરે છે.
આયુષ મંત્રાલયે નવી દિલ્હીમાં રાજપથ ખાતે 21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. તેમાં બે ગિનીઝ વિશ્વ વિક્રમ સ્થાપિત થયા હતા. એક, યોગ માટેના એક મંચ પર 35,985 સહભાગીઓ સામેલ થયા હતા અને બે, તેમાં સૌથી વધુ 84 દેશના નાગરિકોએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ સાથે સંપૂર્ણ વિશ્વમાં કરવામાં આવી હતી, જેમાં લાખો સહભાગીઓ સામેલ થયા હતા અને યોગને સંદેશ ફેલાવ્યો હતો.
યોગનો ઇતિહાસ
પૂર્વ વૈદિક કાળ (2700 ઈસવીસન પૂર્વે) અને તેના પછી પતંજલિ કાળ સુધી યોગ રહેવાનું ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે. મુખ્ય સ્ત્રોત, જેમાં આપણે આ સમયે દરમિયાન યોગની પ્રથાઓ તથા સંબંધિત સાહિત્ય વિશે સૂચના પ્રાપ્ત કરીએ છે, વેદો, ઉપનિષદ, સ્મૃતિઓ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, પાણિની, મહાકાવ્યોના ઉપદેશો, પુરાણો વગેરેમાં ઉપલબ્ધ છે.
એવું માનવામાં આવે છે કે, જ્યારે સભ્યતા શરુ થઈ ત્યારે યોગ કરવામાં આવતા હતા. યોગમાં વિજ્ઞાનની ઉત્પતિ હજારો વર્ષ પહેલા થઈ હતી, પહેલા ધર્મો કે આસ્થાના જન્મ લેતા પહેલા થઈ હતી. યોગ વિદ્યામાં શિવને પહેલા યોગી કે આદિ યોગી તથા પહેલા ગુરુ કે આદિ ગુરુ તરીકે માનવામાં આવે છે.
શું કરવું?
1. યોગાસન દરમિયાન ઢીલા કપડા પહેરો.
2. યોગાસન માટે જાઓ ત્યારે તેના માટેની મેટ જરૂર સાથે રાખો.
3. સમતળ સ્થળાન પર યોગાસન કરો. જ્યાં ઊંચી-નીચી જગ્યા હોય ત્યાં બેસીને યોગાસન કરવા નહીં.
4. યોગ દરમિયાન શરીરને હળવું રાખો. કોઈ પણ પ્રકારનો તણાવ ન લેવો કે મગજમાં નકારાત્મક વિચારો લાવવા નહીં.
5. જો તમે રાત્રે પુરતી ઊંઘ લેતા હોવ તો સવારે યોગ કરવામાં સરળતા રહેશે અને વધુ ફાયદો પણ થશે.
6. યોગાસન કરતા સમયે પેટ ખાલી હોવું જરૂરી છે. આથી સવારે જાગ્યા પછી સૌથી પહેલા ફ્રેશ થઈ જાઓ અને પછી જ યોગાસન કરો.
શું ન કરવું?
1. યોગાસન કર્યા પછી હાર્ડ ફિઝિકલ એક્સરસાઈઝ કરવી નહીં.
2. જો તમારી તબિયત સારી લાગતી ન હોય તો યોગાસન કરવા નહીં.
3. યોગાસન કર્યાના તરત પછી સ્માર્ટફોન સહિત ઈલેક્ટ્રિકલ ગેઝેટનો ઉપયોગ કરવો નહીં.
4. યોગાસન કર્યા પછી દારૂ કે સિગારેટ કે તમાકુનું સેવન કરવું નહીં.