Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે. આધ્યાત્મના આ શુભ અવસર પર પ્રમુખસ્વામીનગર(Pramukh Swami Nagar)માં લોકોની ભીડનો ખ્યાલ રાખીને તે પ્રકારની ઘણી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના લીધે કોઈને પણ મુશ્કેલી ન પડી શકે. એક જગ્યા પર લાખો લોકો ઊમટે ત્યારે સૌથી મોટી ચિંતા કોઈ વસ્તુ ખોવાવાની હોય છે અને આવા સમયે જેના હાથમાં ખોવાયેલી વસ્તુ આવે તે તેના માલિકને પરત કરવા ઈચ્છે તેમ છતાં પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આ જ સમસ્યાના સમાધાન માટે પ્રમુખસ્વામીનગરમાં એક વખાણને પાત્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી કોઈની પણ ખોવાયેલી વસ્તુ ગણતરીના સમયમાં જ આસાનીથી મળી જાય.
અમે તમને જણાવી દઈએ કે, BAPS સંસ્થા દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’. આ સોફ્ટવેરની કામગીરી અંગે વિરાંગ ચૌહાણ નામના સ્વયંસેવકે જણાવતા કહ્યું હતું કે ‘પ્રમુખસ્વામીનગરમાં કોઈ વ્યક્તિને ખોવાયેલી વસ્તુ મળે તો તેને જુદા જુદા વિસ્તારમાં બનાવવામાં આવેલા 12 જેટલા ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટરમાંથી કોઈપણ એક સેન્ટર પર જમા કરાવી શકે છે.
મહત્વનું છે કે, આ વ્યક્તિ પાસેથી જે-તે વસ્તુની સામાન્ય વિગતો અને જાણકારી લેવામાં આવે છે, ત્યાર બાદ એ વસ્તુની સરળતાથી ઓળખ થાય એ રીતે સોફ્ટવેરમાં માહિતી લખવામાં આવે છે. સોફ્ટવેર પર એન્ટ્રી થતાં જ એ વસ્તુના નામનું એક યુનિક આઈડી જનરેટ થઇ જાય છે. આ સાથે જ 12 જેટલા ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ તમામ સેન્ટરના કોમ્પ્યુટર પર પણ આ માહિતી અપડેટ થઈ જાય છે અને ત્યાર બાદ ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પર જ એ વસ્તુને પુરેપુરી સલામતી સાથે લોકરમાં મૂકી દેવામાં આવે છે.
બીજી બાજુ, પ્રમુખસ્વામીનગરમાં આવેલી કોઈ વ્યક્તિને પણ પોતાની વસ્તુ ખોવાયાનો ખ્યાલ આવે તો તે ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પહોંચી શકે છે અને જે-તે વસ્તુ પરત મેળવી આપવા અપીલ કરી શકે છે. આ વ્યક્તિએ આપવામાં આવેલી માહિતી અનુસારની જ કોઈ વસ્તુ સેન્ટર પર પહેલાંથી જમા હોય તો તેના વેરિફિકેશન માટે કેટલાક સવાલો પૂછવામાં આવે છે, જો વાત કરવામાં આવે તો, મોબાઈલ ખોવાયો હોય તો એ કઈ કંપનીનો હતો?, છેલ્લે તમે કોને ફોન કર્યો હતો?, મોબાઈલ પર કેવું વોલપેપર છે?, જો દાવો કરનારી વ્યક્તિ આવા સવાલોનો સંતોષકારક જવાબ આપે તો તેની ઓળખનો પુરાવો લઈને વસ્તુ તે વ્યક્તિને પરત કરી દેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્યારેક એવું પણ બને કે કોઈ વ્યક્તિની વસ્તુ ખોવાઈ જાય અને ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ સેન્ટર પર એ વસ્તુ પહોંચી શકી ન હોય. આવી સ્થિતિમાં પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે, વસ્તુ ખોવાઈ ગયાની ફરિયાદ અંગે પણ અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વસ્તુ ખોવાયાનો દાવો કરનારી વ્યક્તિ પાસેથી ઝીણવટપૂર્વક માહિતી મેળવવામાં આવે છે. ત્યાર બાદ મેચિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સ્વયંસેવકો જ્યારે પણ એ વસ્તુ મળી આવે ત્યારે તેના માલિકને ફોન તેમજ ઈ-મેઈલ કરીને જાણકારી આપતા હોય છે.
મહત્વનું છે કે, પ્રમુખસ્વામીનગરમાં સ્વયંસેવકો પણ સતત લોકોની સેવામાં ખડે પગે રહે છે. જણાવી દઈએ કે, આ સ્વયંસેવકોને પણ મહિનાઓ પહેલાંથી જ ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી, જેથી ઈમર્જન્સીના સમયમાં પણ સ્થિતિ સંભાળી શકે છે. જો કોઈ પરિવારથી વિખુટું પડેલું કોઈ બાળક પણ તેમને મળી આવે તો તેની સાથે કેવી રીતે વર્તન કરવું અને કેવા પ્રયાસોથી તેની પાસેથી પરિવાર અંગેની જાણકારી મેળવી શકાય એનો પણ આ સ્વયંસેવકોને ખ્યાલ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.