રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ ૧૦ દિવસીય “જળ ઉત્સવ ૨૦૨૩” (Jal Utsav at Dholakiya Foundation Bharatmata Sarovar) ને ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદ્ધબોધન કરતાં કહ્યું હતું કે, આજે રાજ્ય માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. જળ એ જ જીવન છે. જળ વગર ખેતીવાડી, પશુપંખી, જીવસૃષ્ટિ, સચરાચરની કલ્પના થઈ શકે નહીં. આગામી દિવસોમાં રાજ્યને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો મુખ્યમંત્રીનો સંકલ્પ છે. આ સંકલ્પ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બીજા પ્રદેશની સરકારો માટે પણ પ્રેરણારૂપ બનશે.
અમરેલીમાં થયેલા જળસંચયના ભગીરથ કાર્યને ટૂરિઝમ ક્ષેત્ર તરીકે વિકસાવવાનો વિચાર વ્યક્ત કરતાં રાજ્યપાલએ કહ્યું હતું કે, અહીં સરકારી ખરાબાની જમીન પરથી બાવળ દૂર કરીને વિવિધ વૃક્ષો ઉછેરીને જંગલને હર્યું ભર્યું બનાવવાનું કાર્ય કરી શકીએ. જેનાથી વરસાદ વધશે. સાથે પર્યાવરણ પણ સુધરશે.
રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, વિકસિત રાજ્યની સંકલ્પના સાકાર કરવા ઔદ્યોગિક ક્રાંતિની ઝડપ વધારવામાં આવશે. તેનો આધાર વીજળી અને પાણી છે. તેના અભાવને કાયમ માટે રાજ્યમાંથી દૂર કરવામાં આવશે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં લગભગ બધાએ પાણીની તકલીફ જોઈ છે. પણ આજે ખારોપાટ વિસ્તારમાં ગાગડિયા નદીને પાણીથી ભરી દેવાઈ છે, તેવું સરસ આયોજન રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન (Dholakiya Foundation) દ્વારા થયું છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનનો સૌથી વધુ ફાયદો ગુજરાતને થયો છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી નર્મદાના પાણીનો એવો ઉપયોગ થયો છે કે, ગુજરાત હરિયાળું બન્યું છે. એ પછી રાજ્યમાં ૨૪ કલાક વીજળીની વ્યવસ્થા ઊભી કરી છે. સેવા અને સુશાસન નરેન્દ્રભાઈનો કાર્યમંત્ર રહ્યો છે.
ગુજરાત રાજ્યમાં આરોગ્ય, માળખાકીય સુવિધા, આર્થિક ક્ષેત્રે થયેલા વિકાસની વિગતો આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ૨૦૦૬માં ધોરડોમાં રણોત્સવના પ્રારંભ વખતે નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, અહીં દેશ દુનિયાના લોકો આવશે. હાલમાં જ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને બેસ્ટ વિલેજ ફોર ટૂરિઝમ જાહેર કર્યું છે. અહીં પણ જળ ઉત્સવ શરૂ થયો છે ત્યારે અનેક લોકો અહીં આવશે.
વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતને વિકસિત બનાવવાનું છે. આ માટે નાનામાં નાના, છેવાડાના માણસને સરકારી મળવાપાત્ર બધી યોજનાઓનો લાભ મળે તેવા સેચ્યુરેશન પોઈન્ટ સાકાર કરવાના પ્રયત્નો આ યાત્રામાં કરાઈ રહ્યા છે. નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડીશું તો જ ગુજરાત વિકસિત બનશે.
સરકારના પ્રયાસોના કારણે આજે લોકોને પાણી મળતું થયું છે પરંતુ ભવિષ્યમાં પાણીની તકલીફ ના સર્જાય તે માટે જળસંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાની યોજના અમલમાં મુકી છે. જેને ગુજરાત સરકારે સાકાર કરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જળ સંચય અને જળ સંરક્ષણ સાથે જળ જતન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ “પાણીને પ્રસાદની જેમ વાપરવા” કરેલા આગ્રહનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ બધાને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની પણ અપીલ કરી હતી.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં લાઠી લીલીયાના ખારાપાટમાં પી.પી.પી. ધોરણે ગાગડિયો નદી ઊંડી પહોળી કરવાનું ડીસિલ્ટિંગ કરવાનું કામ થયું છે. આ કાર્ય થકી ખારાપાટમાં જળ ક્રાંતિ આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાણીનું મહત્વ સમજીને જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે, દેશમાં વોટર ગવર્નન્સ દ્વારા જળ સંરક્ષણના કર્યો થઈ રહ્યા છે. સૌની યોજના લિંક ૨ અને ૪ દ્વારા અમરેલીને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં અમરેલી જિલ્લાના લાઠી અને લીલીયા તાલુકાના બાકી વિસ્તારોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવા માટે સઘન પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સૌની યોજના હેઠળ અમરેલી જિલ્લાના બાકી રહેતા ડેમોમાં પાણી ભરવામાં આવશે.
ધોળકિયા ફાઉન્ડેશનના (Dholakiya Foundation) વડા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે, જળ વિનાના વિસ્તારમાં દશકાઓથી કોઈ મોટો ઉત્સવ ન થયો હતો. ત્યાં વડાપ્રધાનની પ્રેરણા તેમજ મુખ્યમંત્રીના સક્ષમ નેતૃત્વમાં આજે જળ ઉત્સવ થઈ રહ્યો છે. સમાજ અને સરકાર સાથે મળીને કોઈ કાર્ય હાથમાં લે ત્યારે કેવો ચમત્કાર સર્જાય તેનું જીવંત ઉદાહરણ અમરેલીમાં થયેલા જળસંગ્રહના કાર્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અજય દહિયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સિંચાઈ વિભાગ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા જળસંચયના વિવિધ કાર્યોની રૂપરેખા આપતા કહ્યું હતું કે, આ જળ ઉત્સવથી જિલ્લામાં પ્રવાસનને વેગ મળશે અને જળસંગ્રહ માટે પ્રેરણા મળશે.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વમહેશભાઈ કસવાલા, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, મુખ્ય ઇજનેર એચ. યુ. કલ્યાણી તેમજ ધોળકીયા ફાઉન્ડેશનના વિવિધ અગ્રણીઓ, અમરેલી જિલ્લા વહીવટી તંત્રના મુખ્ય અધિકારીઓ અને જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી, રાજ્ય સરકાર તથા ધોળકિયા ફાઉન્ડેશનના ઉપક્રમે ગાગડિયો નદીના કાંઠે જળ સંરક્ષણના અનેકવિધ કાર્યો સંપન્ન થયા છે. જેને વધાવવા તથા પ્રવાસનને વેગ આપવાના હેતુસર અહીં ૨૫ નવેમ્બર સુધી “જળ ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube