જયેશ રાદડીયા Vs નરેશ પટેલ: ફરી એકવાર સમૂહલગ્નનું આયોજન બન્યું રાજકીય નિવેદનબાજીનો અખાડો!

Jayesh Radadiya News: રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં ‘પ્રેમનું પાનેતર’ નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી (Jayesh Radadiya News) તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જયેશ રાદડિયાએ સમુહલગ્નોત્સવના દાતાઓ તેમજ 11 હજારથી વધુ સ્વયંસેવકોનો આભાર માનીને પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

‘હું એક રાજકીય માણસ છું’
જયેશ રાદડિયાએ જણાવ્યું કે, હું એક રાજકીય માણસ છું, સમય આવ્યે હું રાજનીતિ પણ કરું છું. આજે જેવો આ સમુહલગ્નોત્સવ સમાપ્ત થશે, ત્યારે કાલે સવારથી જ જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ થઈ જશે. આજે આ સમુહલગ્નોત્સવનું કામ મારું સમાજ માટે છે. વિઠ્ઠલભાઈ રાદડિયાના વારસદાર તરીકે મેં સમાજની જવાબદારી નીભાવી છે.

‘હવનમાં હાડકા નાંખવાનું કામ…’
જો કે સમાજની બે ટકા ટપોરી ગેંગ જ્યાં સારું થતું હોય, ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરી રહી છે. ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સમાજનું સારું કામ હોય, તો આ ટપોરી ગેંગ ખરાબ કોમેન્ટ કરીને લેઉવા સમાજને કેદ કરવાનું કામ કરી રહી છે. આ ટપોરી ટોળકી સમાજના નામે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો સમાજનું સારું કામ કરતા હોય, તેમને બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

જયેશ રાદડિયા અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કૉમેન્ટો કરવામાં આવે છે. આપણા જ સમાજના લોકો જેઓ રાજનીતિમાં નથી, પરંતુ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોને સમાજે જવાબ આપવો પડે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા નથી થવું. હું મારા સમાજનું કામ કરી રહ્યો છું. મારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી.

જયેશ રાદડિયાએ ફેંક્યો ખુલ્લો પડકાર
વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું કે, વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મને જે જવાબદારી સોંપી છે, તે હું નિભાવું છે. જેના કારણે કદાચ આવી ટોળકી મારી સામે પડશે, તો પણ હું સમાજની કામગીરીમાં પીછેહઠ નહીં કરું. જયેશ રાદડિયા સારું કામ કરે, આટલા ભવ્ય સમુહલગ્નનું આયોજન કરે અને જંગી જનમેદની એકઠી થાય, તો કેટલાયના પેટમાં તેલ રેડાય છે. જે લોકો રાજનીતિમાં નથી તેઓ જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેના ચોકઠા ગોઠવી રહ્યા છે. આવા લોકોને ઓળખવાની જવાબદારી આપણા સમાજની છે. આવા લોકોને મારો ખુલ્લો પડકાર છે કે, રાજનીતિના મેદાનમાં આવી જાવ.