ભાજપ કાર્યકર અને કુખ્યાત લલિત ડોંડા પર વધુ ત્રણ ખંડણીની પોલીસ ફરિયાદ

લલિત ડોંડા

સુરતના સરથાણા વિસ્તારમાં રહી પોલીસ પ્રેસ ગ્રુપના નામે કેટલાક ભ્રષ્ટ પોલીસના માણસો અને નકલી પત્રકાર ગેંગ સાથે મળી તોડ બાજી અને હપ્તાબાજીનું રેકેટ ચલાવતા લલિત ડોંડા (lalit donda fir) અને તેના ભાઈ અલ્પેશ પર અનુક્રમે ત્રણ અને એક ફરિયાદ દાખલ થતા લલિત ડોંડા સાથે મળેલા પોલીસ અને નકલી પત્રકારો માં સન્નાટો મચી ગયો છે.

ભાજપ નેતાઓ સાથે સીધા સંપર્ક છે તેવો દેખાડો કરતા લલિત ડોંડા પર અત્યાર સુધીમાં અનેક ખંડણી ની ફરિયાદો દાખલ થઈ ચૂકી છે, અને તડીપાર સહિતની કાર્યવાહી માં પણ આવી ચુક્યો છે. પરંતુ પોલીસની સાઠગાંઠને કારણે તેનો તોડ પાણીનો ધંધો દિવસેને દિવસે વધુને વધુ વધતો જતો હતો. ત્યારે સુરતની સરથાણા પોલીસ ના લેડી સિંઘમ ગણાતા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલા એ ઉપરા છાપરી ત્રણ ગુના દાખલ કરીને તોડ બાજ ગેંગના સભ્યોમાં નાસભાગ મચી ગઇ છે. આટલું જ નહીં તેની ગેંગના સાથીદારો ના સકંજામા આવેલા પીડિતોને પોલીસ ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરાઈ છે. બીજી તરફ લલિત ડોંડાએ ધરપકડમાં રાહત મેળવવા કોર્ટના શરણે પહોંચ્યો છે.

કામરેજમાં હોટલ ચલાવતા એક હોટલના ધંધાર્થીને ત્યાં પોલીસ કંટ્રોલમાં ફોન કરીને અહિયાં દેહ વ્યાપાર ચાલે છે તેવી ખોટી માહિતી આપીને પોલીસને પણ  અનેક વાર દોડાવીને હેરાન કરવાનું શરુ કર્યું હતું અને કંટાળેલા સંચાલકે લલિત ડોંડાને રૂબરૂ મળતા લલિત ડોંડાએ હોટેલ સંચાલકને કહેલ કે, ‘તારી હોટલમાં થાઈલેન્ડની છોકરીઓ લાવીને તું દેહ વ્યાપાર કરાવે છે’ એમ આરોપ મુકેલો. આ વાતથી તાબે નહિ થયેલા હોટેલ સંચાલકને બદનામ કરવા ની બીક બતાવીને લલિત ડોંડા અને તેના એક સાગરીતે હોટલ સંચાલક પાસેથી ખંડણી લીધી હતી અને દર મહિને 50000 હપ્તો આપજે અને હપ્તો નહીં આપે તો રેડ કરાવવાની ધમકી આપી હતી. લલિત ડોંડા ફરિયાદ દાખલ થયા બાદ બચવા માટે હવાતિયા મારી રહ્યો છે. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ચાલતી ગતિવિધિઓ ની માહિતી પોલીસવાળાઓ લલિત ડોડા સુધી પહોંચાડીને હજી પણ સુધરવાનું નામ લઈ રહ્યા નથી.

ભાજપના ઓનલાઈન સભ્ય બનેલા લલિત ડોંડા અગાઉ ઘણી વખત પોલીસના હાથે ખંડણી અને અન્ય ગુનાઓ પકડાઈ ચૂક્યો છે પરંતુ તેના પોલીસ મિત્રો તેને એનકેન પ્રકારે મદદ કરીને કાયદાની છટકબારીઓ બતાવીને જામીન પર ફરવામાં મદદ કરી રહ્યા છે. બીજી તરફ ઉપરા છાપરી ત્રણ ફરિયાદ થતા અત્યાર સુધી મદદ કરી રહેલા પોલીસવાળાઓ પણ હવે કઈ બારીમાંથી લલિત ડોંડા ને બહાર કાઢવો તે વિચારોમાં ગોટાળે ચડી ગયા છે.

પોલીસ સ્ટેશનના રાજકારણમાં કોઈના પણ પ્યાદા બનીને કામ કરતા લલીત ડોંડાએ અત્યાર સુધી કરોડોની કાળી કમાણી ભેગી કરી લીધી છે. ત્યારે હવે કાયદાનો ગાળીયો તેના ગળા સુધી પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું બીજી તરફ ઓપરેશન ગંગાજળ સુરત પોલીસમાં ક્યારે શરૂ થાય છે તે પણ નિષ્ઠાવાન પોલીસકર્મીઓ રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ આવા લેભાગુ તત્વને કારણે ભાજપનું નામ બદનામ થતા ભાજપના વર્તુળોમાં પણ લલિત ડોંડા કોણ છે એ ચર્ચાઈ રહ્યું છે.