Last words of Pramod Negi, Rajouri Attack: રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. જેમાં હિમાચલ પ્રદેશના પ્રમોદ નેગીએ પણ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. પ્રમોદે મિશન પર જતા પહેલા તેની માતા સાથે વાત કરી હતી. હવે તેમની શહાદત બાદ પરિવારના સભ્યો અને સંબંધીઓ તેમના અંતિમ શબ્દોને વારંવાર યાદ કરીને ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા છે.
જમ્મુ ડિવિઝનના રાજૌરીમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. જેમાં ઉત્તરાખંડના રહેવાસી રૂચીન સિંહ રાવત, પશ્ચિમ બંગાળના સિદ્ધાંત ક્ષેત્રી, જમ્મુ-કાશ્મીરના નીલમ સિંહ અને હિમાચલ પ્રદેશના અરવિંદ કુમાર અને પ્રમોદ નેગીએ શહીદી આપી હતી. સિરમૌર જિલ્લાના રહેવાસી પ્રમોદ નેગી લગભગ 6 વર્ષ પહેલા દેશની સેવા માટે સ્પેશિયલ ફોર્સમાં જોડાયા હતા. તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં હતી. શુક્રવારે સિલાઈ વિસ્તારમાં તેમની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રમોદ નેગીના પરિવારમાં તેની માતા તારા દેવી, પિતા દેવેન્દ્ર નેગી, બહેન અને નાનો ભાઈ છે. ભાઈ પણ આર્મીમાં છે. પ્રમોદના હજુ લગ્ન થયા ન હતા. જ્યારે તેમના પાર્થિવ દેહને હિમાચલ પ્રદેશ લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે પૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ રાજ્યની સરહદ પર ભીની આંખો સાથે તેમને વિદાય આપી હતી. આ દરમિયાન લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
‘હું તાત્કાલિક મિશન પર જાઉં છું. મોબાઈલ 10 દિવસ સુધી બંધ રહી શકે છે.’
પ્રમોદે મિશન પર જતા પહેલા તેની માતા સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, “મા, હું એક મહત્વપૂર્ણ મિશન પર જઈ રહ્યો છું. મોબાઈલ 10 દિવસ સુધી બંધ થઈ શકે છે. ચિંતા ન કરતા, હું મિશન જીતીને જલ્દી પાછો આવીશ. તેણે ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે તેની માતા સાથે વાત કરી હતી. તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. બીજા દિવસે 12 વાગે પરિવારના સભ્યોને પુત્રની શહાદતના સમાચાર મળ્યા હતા. પ્રમોદના છેલ્લા શબ્દો વારંવાર યાદ આવતાં પરિવારજનો અને સગાંવહાલાં ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યાં છે. કોઈએ તેમના સપનામાં પણ વિચાર્યું ન હતું કે ખબર પૂછ્યાના થોડા કલાકો પછી જ તેમને આવા સમાચાર મળશે.
કાંગડા જિલ્લાના અરવિંદ કુમારે પણ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું
આ એન્કાઉન્ટરમાં કાંગડા જિલ્લાના અરવિંદ કુમારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમના વતન ગામ મરૂન્હમાં શોકનું વાતાવરણ છે. શહીદનો મૃતદેહ રવિવારે સવાર સુધીમાં ગામમાં પહોંચી જશે. ખરાબ હવામાનને કારણે અરવિંદના મૃતદેહને ઉધમપુરથી એરલિફ્ટ કરી શકાયો નહોતો. આવી સ્થિતિમાં મૃતદેહને ઉધમપુરથી રોડ માર્ગે મોકલવામાં આવ્યો છે.
અરવિંદના સંબંધીઓએ જણાવ્યું કે તે બાળપણથી જ ખૂબ જ હિંમતવાન અને પ્રતિભાશાળી હતો. વર્ષ 2010માં તેને પંજાબ રેજિમેન્ટમાં ભરતી કરવામાં આવ્યો હતો. થોડાં જ વર્ષોમાં તેણે સ્પેશિયલ ફોર્સમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.