Lok Sabha Election 2024: મિશન 370 પૂર્ણ કરવા માટે, ભાજપનું સંપૂર્ણ ધ્યાન હવે ઉમેદવારોની પસંદગી પર છે. લોકસભા ચૂંટણી 2024(Lok Sabha Election 2024) માટે પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. આમાં લગભગ 100 ઉમેદવારોના નામ સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પહેલી યાદીમાં જ હોઈ શકે છે. પીએમ મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે. બુધવારે બીજેપીએ નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં લગભગ એક 12 જેટલા રાજ્યોના કોર ગ્રુપની બેઠક બોલાવી છે. બીજેપી ચીફ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દરેક રાજ્યના નેતાઓ સાથે અલગ-અલગ વાત કરશે. દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યના પ્રભારીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બેઠકોમાં જ લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.
ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે
ગુરુવારે ભાજપની લોકસભા ચૂંટણી પ્રચારને લગતી મહત્વની બેઠક યોજાશે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક નવી દિલ્હીમાં પ્રસ્તાવિત છે. પાર્ટીની પ્રથમ યાદીને અહીંથી અંતિમ મંજૂરી મળશે. ભાજપના 100 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી 1 અથવા 2 માર્ચે જાહેર થાય તેવી શક્યતા છે. 2019માં ભાજપ જે બેઠકો હારી ગયું હતું તે બેઠકો પર ચૂંટણી સમિતિની બેઠકમાં વિચારણા થઈ શકે છે. તાજેતરની ચૂંટણીઓ દ્વારા જે લોકોને રાજ્યસભામાં મોકલી શકાયા નથી, તેમના લોકસભાના ઉમેદવારો અંગે પણ ચર્ચા થઈ શકે છે.
લોકસભા ચૂંટણી 2024: ભાજપનું લક્ષ્ય શું છે?
પીએમ મોદીએ આગામી ચૂંટણીમાં ભાજપ માટે ઓછામાં ઓછી 370 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ભાજપના નેતાઓને વિશ્વાસ છે કે 2024માં તેઓ 2019ના આંકડાને વટાવી જશે. આત્મવિશ્વાસનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પીએમે કેબિનેટ મંત્રીઓને ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા કહ્યું છે.
એનડીએને 400થી વધુ બેઠકો મળશે
પીએમ મોદીએ એવી પણ આગાહી કરી છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 400થી વધુ બેઠકો મળશે. ભાજપ માત્ર સીટોની સંખ્યા જ નહીં પરંતુ વોટ શેર વધારવા પર પણ ભાર આપી રહી છે. આ જ કારણ છે કે તાજેતરના સમયમાં પાર્ટીએ NDAમાં ઘણા પક્ષોને ઉમેર્યા છે.
2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 37.36 ટકા વોટ મળ્યા હતા
ભાજપ 1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત કરતાં મોટી જીત નોંધાવવા માંગે છે. ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 49.10% મતો મેળવીને 414 બેઠકો જીતી હતી. ભાજપ સીટો અને વોટ શેરના મામલે કોંગ્રેસને પાછળ છોડવા માંગે છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 37.36 ટકા વોટ મળ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App