હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં વડોદરાની સયાજી હોસ્પિટલની રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં સવા મહિના પહેલા જન્મ લેતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દેનાર જોડિયા બાળકોએ સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં 15 દિવસની સારવાર લઈને કોરોનાને મ્હાત આપી છે. આ જોડિયા બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ પોતાના ઘરે જશે. જાણવા મળ્યું છે કે, જોડિયા બાળકોની ખુશી સાથે પત્નીને ગુમાવનાર બાળકોના પિતા કિશોરભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સવા માસ પહેલા તેમની પત્ની સુમિત્રાબેને સયાજી હોસ્પિટલની રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં 2.700 કિલો ગ્રામ અને 2.800 કિલો ગ્રામ વજનના સ્વસ્થ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
જોડિયા બાળકોના જન્મ બાદ માતાનું મૃત્યુ થતાં ખુશી શોકમાં પરીણમી
સુમિત્રાબેને નવજાત બાળકોને જન્મ આપતા પતિ કિશોરભાઈ અને પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. જોકે, કિશોરભાઈ અને તેમના પરિવારની ખુશી કલાકો સુધી જ સીમિત રહી હતી. કારણ કે, જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ જ સુમિત્રાબેનનું અવસાન થતા પતિ કિશોરભાઈ અને પરિવારજનોમાં કલાક પહેલાની ખુશીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નવજાત જોડિયા બાળકો સ્વસ્થ થયા બાદ રજા આપી દેવામાં આવી હતી
બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું અવસાન થતાં બંને બાળકોને હોસ્પિટલ દ્વારા જરૂરી સારવાર સાથે કુત્રિમ દૂધ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. નવજાત જોડિયા બાળકો સ્વસ્થ થયા બાદ તેને રજા આપી દેવામાં આવી હતી.
જન્મના 15 દિવસ બાદ બંને બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
આ દરમિયાન 15 દિવસના થયેલા નવજાત બાળકોને ઝાડા-ઉલટી થતાં પિતા અને પરિવારજનો દ્વારા સયાજી હોસ્પિટલમાં પિડીયાટ્રીક વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જોડિયા બાળકોની સારવાર પહેલા બંનેના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બંનેના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા પિડીયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી. બે સપ્તાહની ઘનિષ્ઠ સારવાર બાદ બંને બાળકોના ફરીવાર કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. હાલ જાણવા મળ્યું છે કે, આ બંને બાળકોએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહેલા જીવલેણ કોરોનાને મ્હાત આપી છે.
પિતામાંથી બંને બાળકોને કોરોના આવ્યો
સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે જણાવ્યું હતું કે, જીવલેણ બની રહેલા કોરોનાને મ્હાત આપનાર 15 દિવસના બાળકોમાં કોરોના તેમના પિતામાંથી આવ્યો હતો. બાળકોમાં કોરોના પોઝિટિવ આવતા તેમના પિતાનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જોડિયા બાળકોની સટાફ દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે
ડો. શિલાબેન ઐયરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને હરાવનાર જોડિયા બાળકો હાલ સવા મહિનાના થયા છે. જન્મ બાદ ગણતરીના કલાકોમાં જ જોડિયા બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાથી અમારા તમામ સ્ટાફ દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી હતી. આ જોડિયા બાળકો સ્ટાફના પ્રિય થઇ ગયા છે. જોડિયા બાળકોએ કોરોનાને હરાવી દીધો છે. બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવશે. જાણવા મળ્યું છે કે, હાલ 7 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સારવાર માટે એક પણ બાળકને દાખલ કરવામાં આવ્યું નથી.
બાળકોને જોઇને પિતા આસું રોકી શકતા નથી
માતાની છત્રછાયા ગુમાવી દેનાર બાળકોને ઘરે લઇ જવા માટે પિતા કિશોરભાઈ અને પરિવાર ભારે ઉત્સુક છે. બાળકોને જોઇને પિતા આસું રોકી શકતા નથી. સાથે જોડિયા બાળકોની સારવાર અને દેખભાળ રાખનાર સ્ટાફની આંખો પણ જોડિયા બાળકોને જોઇ ભીંજાઇ ગઈ છે. કોરોનાને મ્હાત આપનાર જોડિયા બાળકોને આગામી ટૂંક દિવસોમાં રજા આપી દેવામાં આવશે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, જોડિયા બાળકો તબીબોની દેખરેખ હેઠળ સ્વસ્થ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.