તમે ક્યારેય જોયુ કે, સાંભળ્યુ છે કે, કાચિંડાની જેમ તળાવનું પાણી પણ રંગ બદલી શકે છે ? આ સવાલ જરૂરથી તમને વિચિત્ર લાગશે પણ હકીકત એ છે કે, વડોદરા શહેર નજીકના ભાયલી વિસ્તારના ટીપી-2માં આવેલા એક નાનકડા તળાવના પાણીનો રંગ દિવસમાં બે વખત પોતાની જાતે બદલાય છે.
સવારે સૂર્યોદય થતાની સાથે જ તળાવના પાણીનો રંગ ધીરેધીરે લાલ રંગનો થવા માંડે છે. બપોર સુધીમાં તો આખેઆખુ તળાવ લાલ ચટ્ટાક બની જાય છે. સૂર્યાસ્ત પછી પાણીનો રંગ પાછો બદલાઈને પારદર્શક બની જાય છે. રંગ બદલતા આ તળાવે સમગ્ર ટીપી-2 વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જયુ છે.
ભાયલી ટીપી-2માં આવેલા શિનો પેલેડિયમ એપાર્ટમેન્ટમાં રહેતા ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસર ડો. અમોલ રાણદીવે માહિતી આપી હતી કે, ટીપી-2માં આવેલા કોર્પોરેશનના બગીચાની બાજુના એક નાનકડા તળાવનું પાણી દિવસમાં બે વખત કલર બદલે છે. સૂર્યોદય થતાની સાથે જ તળાવના પાણીનો રંગ બદલાવા માંડે છે અને બપોર સુધીમાં તો આખુ તળાવ લાલ રંગનું બની જાય છે.
સૂર્યાસ્તની સાથે જ પાણીના રંગ બદલવાની પ્રક્રિયા ફરીથી ઝડપી બને છે અને અંધારૂ થતાની સાથે જ તળાવનું પાણી પાછુ પારદર્શક બની જાય છે. પાણીના રંગ બદલવાની પ્રક્રિયા છેલ્લા 10થી 12 દિવસથી જોવા મળી રહી છે. રંગ બદલતા તળાવને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે કુતુહલ સર્જાયુ છે. આ તળાવ ભલે નાનુ હોય પરંતુ, તેના કિનારે ઘણી વખત પક્ષીઓ પણ જોવા મળે છે.
ડો. અમોલ કહે છે કે, તળાવમાં ખાસ પ્રકારની લીલ હોય તો તેના લીધે તળાવના પાણીનો રંગ બદલાઈ શકે છે. આ ખાસ પ્રકારની લીલ સૂર્યના કિરણો પડતાની સાથે જ એક્ટિવેટ થતી હોય છે અને અંધારૂ થાય પછી આપોઆપ પોતાનો રંગ છોડી દેતી હોય છે.
જોકે, આ તળાવના પાણીના રંગ બદલાવાનું કારણ શુ હોઈ શકે ? તે તપાસનો વિષય છે. પાણીના રંગ બદલાવાની પ્રક્રિયા અંગે એમ એસ યુનિવર્સિટીના એન્વાર્યન્મેન્ટ સાયન્સના હેડ ડો. કૌરેશ વછરાજાની કહે છે કે, માઈક્રોસ્કોપથી જોઈ શકાય તેવા અત્યંત સુક્ષ્મજીવોનું પ્રમાણ પાણીમાં વધી જાય તો તેને લીધે પણ તળાવના પાણીનો રંગ બદલાઈ શકે છે.
ફાઈટોપ્લેન્ક્ટોન અને ઝૂપ્લેન્ક્ટોન જેવા સુક્ષમજીવો અને વનસ્પતિનો રંગ સૂર્યપ્રકાશને આધારિત હોય છે. ટીપી-2ના તળાવમાં આવા સુક્ષ્મજીવોનું પ્રમાણ વધ્યુ હોય તો તેના લીધે તળાવના પાણીનો રંગ બદલાઈ શકે છે. જોકે, પાણીનું માઈક્રોસ્કોપિક નિરીક્ષણ કર્યા પછી જ તળાવના પાણીનો રંગ બદલાવાનું સાચૂ કારણ જાણી શકાય તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news