અવારનવાર બસમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વાર દર્દનાક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પાકિસ્તાન(Pakistan)માં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક બસમાં આગ(Fire bus) લાગવાથી 21 મુસાફરોના મોત(21 passengers died) થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના સિંધ જિલ્લામાં એક બસમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે બસમાં સવાર 21 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ ઘટના બુધવારે કરાચીથી 90 કિલોમીટર દૂર નૂરિયાબાદ શહેરમાં બની હતી. પાકિસ્તાન અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, બુધવારે સાંજે નૂરિયાબાદ નજીક હાઈવે પર ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જતી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં આઠ બાળકોનો પણ સમાવેશ થાય છે.
બસમાં 50થી વધુ પૂર પીડિતો હતા:
પોલીસે જણાવ્યું હતું કે, ઇન્ટરસિટી બસ 50 થી વધુ પૂર પીડિતોને લઈ જઈ રહી હતી, જેઓ કરાચીમાં કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેતા હતા. આ તમામ લોકો પૂરગ્રસ્ત ખેરપુર નાથન શાહમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ મોટી દુર્ઘટના સર્જાય છે. અધિકારીએ જણાવ્યું કે, નૂરિયાબાદ નજીક અને જામશોરો અને હૈદરાબાદ નજીક એમ-9 મોટરવે પર બસમાં અચાનક આગ લાગી હતી. હાલમાં, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વધી શકે છે મૃત્યુઆંક:
પાકિસ્તાની પોલીસે કહ્યું કે, આગનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ કોચની એર કંડિશનિંગ સિસ્ટમમાં ખામીને કારણે લાગી હોવાનું કહેવાય છે, જેણે આખી બસને ઝપેટમાં લીધી હતી. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. સિંધના સંસદીય આરોગ્ય સચિવ કાસિમ સોમરોએ મૃત્યુઆંકની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 12 પીડિતો સગીર હતા, જેની ઉંમર 15 વર્ષ કે તેથી ઓછી હતી. બસમાં સવાર તમામ મુસાફરો ખેરપુર નાથન શાહના એક જ ગામના રહેવાસી હતા. આગથી બચવા માટે કેટલાક મુસાફરો બસમાંથી કૂદી પડ્યા હતા.
પીડિત પરિવારોને મદદ મળશે:
સિંધ પ્રાંતના મુખ્યપ્રધાન મુરાદ અલી શાહે જામશોરોના ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે વહીવટીતંત્ર પરિવારોને તમામ મદદ કરશે. સીએમ મુરાદે ઘટનાનો તપાસ રિપોર્ટ પણ મંગાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.