સાંસદ મનસુખ વસાવાની ગાળો સાંભળીને રઘવાયા થયા ગુજરાતના મામલતદાર, ગુજરાત સરકારને આપી હડતાળની ધમકી

ગુજરાત(Gujarat): ભરૂચ(Bharuch)ના ભારતીય જનતા પાર્ટી(BJP)ના સાંસદ મનસુખ વસાવા(MP Mansukh Vasava) પોતાનાં નિવેદનોને લઈ સતત ચર્ચામાં રહે છે. ત્યારે બે દિવસ અગાઉ ખનીજચોરી મામલે મામલતદાર(Mamlatdar)ને જાહેરમાં ઝાટકણી કાઢી વિવાદમાં આવ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ફરી એક વખત આકરા તેવર જોવા મળ્યા હતા. ઓવરલોડ વાહનો બાબતે મનસુખ વસાવાએ મામલતદારની જાહેરમાં ઝાટકણી કાઢી હતી અને ગાળો પણ ભાંડી હતી.

જણાવી દઈએ કે, ભરૂચના ભારતીય જનતા પાર્ટી સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર પર હપ્તા લેતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. વડોદરાના કરજણના નારેશ્વર રોડ પર ડંપર ચાલકે બાઈકને હડફેટે લીધા હતા અને આ ગોજારા અકસ્માતમાં બાઈક સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે કરુણ મોત થયા હતા. ત્યારે આ અંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમની સાથે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ પણ મુલાકાતમાં આવ્યા હતા.

મુલાકાત દરમિયાન આ વિસ્તારમાં રેત માફિયાઓની વધેલી દાદાગીરીને લઈ મનસુખ વસાવા દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલતદાર સહિતના અધિકારીઓને ખનીજચોરી કરતાં ડમ્પરો બંધ કરાવવા માટે કહ્યું હતું, સાથે અધિકારીઓને કહ્યું હતું કે બહુ હોશિયારી નહીં મારવાની, તમારા બધા ધંધાની મને ખબર છે અને મામલતદારની જાહેરમાં ઝાટકણી કાઢી હતી અને ગાળો પણ ભાંડી હતી.

ત્યારે એક ભાજપના સાંસદ મનસુખ વસાવાની આ અશોભનીય વર્તનને કારણે મામલતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને કારણે ગુજરાત રાજ્ય મામલતદાર એસોશિયન દ્વારા સરકારને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું છે અને તેમાં જણાવતા કહ્યું છે કે, અકસ્માતના સ્થળે ભાજપ સાંસદ મનસુખ વસાવા તરફથી સ્થળ ઉપર ગામલોકો અને અધિકારીઓની વચ્ચે ખોટી રીતે ઉશ્કેરાટમાં આવીને મનસુખ વસાવા તરફથી બીભત્સ ગાળો બોલીને અશોભનીય વર્તન કરવામાં આવેલ છે. સાથે કહ્યું છે કે, આવી રીતે ધમકી ભર્યા સ્વરમાં મામલતદાર સાથે એક પદાધિકારીને શોભે નહિ તેવું અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, વહીવટી તંત્ર માટે આ એક કલંકરૂપ ઘટના છે. આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં ઘેર પ્રત્યાઘાત પડેલ છે. જેથી ગુજરાત રાજ્ય મામલતદાર એસોશિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ અંગે જાહેરમાં માફી માંગવામાં આવે અથવા તો તેમની વિરુદ્ધ કાનૂની પગલા લેવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય મામલતદાર એસોશિયન દ્વારા સરકારને કહ્યું છે કે, જો સાંસદ અથવા તેમના અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નહિ આવે તો આગામી સમયમાં આંદોલનાત્મક પગલા લેવામાં આવશે અને ૩ માર્ચના રોજ મામલતદારો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધવવામાં આવશે અને 4 માર્ચના રોજ હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ગુજરાત રાજ્ય મામલતદાર એસોશિયન દ્વારા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *