વોટ્સએપ પર કોઈ પુરુષ સાથે વાત કરતી હતી પત્ની, પતિએ પીવડાવી મચ્છર મારવાની દવા

પત્ની વોટ્સએપ પર કોઈ પુરુષ સાથે વાત કરતી હોવાનું માલૂમ પડતાં પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પત્ની સાથે આ મુદ્દે ઝઘડો કરવાને કે ઠપકો…

પત્ની વોટ્સએપ પર કોઈ પુરુષ સાથે વાત કરતી હોવાનું માલૂમ પડતાં પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પત્ની સાથે આ મુદ્દે ઝઘડો કરવાને કે ઠપકો આપવાને બદલે પતિએ તેની હત્યા જ કરી નાખી. પહેલા પતિએ પત્નીને મચ્છર મારવાની દવા પીવડાવી અને બાદમાં ગળું દબાવીને હત્યા કરી નાખી. પત્નીની હત્યા કરવાના આરોપમાં 26 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના આગ્રાની છે.

આરોપીની ઓળખ સોનૂ તરીકે થઈ છે. સોનૂ શાક વેચવાનું કામ કરે છે. તેની પત્નીનું નામ અંજલિ હતું, રિપોર્ટ મુજબ, સોનૂ અને અંજલીના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા. તેમના બે બાળકો છે. જેમની ઉંમર ક્રમશઃ ચાર અને છ વર્ષ છે.

અંજલીનો મૃતદેહ તેના ઘર પાસે સુદામપુરી વિસ્તારની ખાલી પડેલી જમીન પરથી મળી આવ્યો. ઈત્માદ-ઉદ-દૌલા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ અધિકારી ઉદયવીર સિંહ મલિકે જણાવ્યું, “ફોન પર પોતાની પત્નીને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી જોઈને સોનૂનો રોષ ભભૂકી ઉઠ્યો. પહેલા તેણે પત્નીને મચ્છર મારવાની દવા પીવા માટે મજબૂર કરી અને પછી સાંજે કપડાના લાંબા ટુકડો વડે ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખી. ”

કથિત રીતે આ ઘટના ઘટી ત્યારે બંને બાળકો ઊંઘતા હતા. જ્યારે અંજલિના પિતાએ દીકરી ઘરેથી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી ત્યારે સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો. પોલીસે તપાસ શરૂ કરી અને ઘરની નજીકથી અંજલિનો મૃતદેહ મળ્યો. પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. પોલીસે સોનૂની ધરપકડ કરી છે અને IPCની કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *