Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: ગઈકાલે ‘સમરસતા દિન’ના ભાગરૂપે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં ભારતના અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેરજીવનના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
અમે તમને જણાવી દઈએ કે, ‘સમત્વમ્ યોગ ઉચ્યતે’ ગીતાની આ ઉક્તિના મૂર્તિમંત સ્વરૂપ એવા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય વિષયક વિશિષ્ટ પ્રસ્તુતિમાં આજે દર્શાવવામાં આવ્યું કે દેશ-વિદેશ, ગરીબ-અમીર, નાત-જાત, શિક્ષિત- અશિક્ષિતના ભેદ જોયા વગર પ્રમુખસ્વામી મહારાજે સૌ કોઈને અપનાવ્યા હતા. બધામાં ભગવાન જોવાની દૃષ્ટિ પ્રમુખસ્વામી મહારાજની સમરસતાનું મુખ્ય કારણ હતું. પ્રમુખસ્વામી મહારાજની આ દૃષ્ટિ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રમુખ પરિબળ બની રહી.
મહત્વનું છે કે, ભગવાનના ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોતાના જીવનમાં શ્રીમદ્ ભગવદ્ગીતા કથિત સમત્વ યોગ જેમણે સિદ્ધ કરી લીધો હતો એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રથમ ભક્તિસંગીત દ્વારા વિશિષ્ટ અંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખસ્વામી મહારાજના સમતાથી યુક્ત જીવનકાર્યને પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ ‘સમરસતાના શિખર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ પ્રવચન દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું.
સમવેગભાઈ લાલભાઈ – એક્સિકયુટીવ ડિરેક્ટર, અતુલ લિમિટેડ:
અતુલ લિમિટેડના ડિરેક્ટર સમવેગભાઈએ પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવમાં હાજર રહીને મારું મન નાચી રહ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભારતના સંસ્કારો, નીતિમત્તા, મૂલ્યો વગેરેનું દર્શન થાય છે. પ્રમુખસ્વામી મહારાજ એટલે સમરસતા અને કરુણાની પાવનકારી ગંગા અને એ ગંગાની લહેરોનો લહાવો મને ૫ વખત માણવા મળ્યો છે. તેમના વાવેલા સંસ્કાર અને સંસ્કૃતિનાં બીજ આજે વિશાળ વૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં સમરસતા ફેલાવી રહ્યા છે. આ સમાજમાં હિતકારી તો ઘણા હોય પરંતુ પ્રમુખસ્વામી મહારાજ સદાય પરમ હિતકારી સંત હતા. મારા અહોભાગ્ય છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રેમ અને આશીર્વાદ મને મળતા રહે છે.
ડોક્ટર વિજય પાટીલ, ડી.વાય પાટિલ યુનિવર્સિટી:
વિજય પાટીલે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આજે આ મહાનુભાવો વચ્ચે મને બેસવાની તક મળી છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને એ મનાય છે કે દિવ્ય શક્તિ વગર આ શક્ય નથી અને આ નગરને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી કારણકે આ દિવ્ય અજાયબી સમાન નગર છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને દિવ્યતા જ જોવા મળે છે અને આ સંસ્થાએ નિર્માણ કરેલા મંદિરો એ વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ – પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્ય:
દ્વારકેશલાલજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સમગ્ર ભારત વર્ષ તેમજ વિશ્વભરના તમામ અનુયાયીઓ માટે ગૌરવ, આનંદ અને પ્રસન્નતાનો મહોત્સવ છે. મે ઘણા લોકોના સંદેશો વાચ્યા અને સાંભળ્યા છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજ નું જીવન જ તેમનો સંદેશ હતો અને તેઓ જે બોલ્યા છે તેવું જ જીવન જીવ્યા છે. વિશ્વમાંથી ભેદભાવની ભાવના દૂર કરવા માટે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ શબ્દમાં જ પ્રથમ અક્ષર પ્રેમ છે, બીજો અક્ષર મુક્તિ છે, ત્રીજો અક્ષર ખુમારી છે એવા ભવ્ય અને વિશાળ પ્રમુખસ્વામી મહારાજ હતા. વડોદરામાં સુરસાગર તળાવમાં ભગવાન શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે કહેલા શબ્દો મને હજુ યાદ છે, તેમને કહ્યું હતું મને કે,તમારા જેવા યુવાનો ધર્મ સંસ્કારના કાર્યમાં જોડાશે તો આ દેશમાં સુવર્ણયુગ ફરીથી પાછો આવશે તેવું હું દૃઢપણે માનું છું.
બળવંતસિંહ રાજપૂત – કેબિનેટ મિનિસ્ટર – ગુજરાત:
બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાની તક મળી. પ્રમુખસ્વામી મહારાજે એટલે શાંત, સરળ અને દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિત્વ. માનવજીવન માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દેનાર પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવવાનો આ ઉત્તમ અવસર છે અને તેમનું દિવ્ય સાનિધ્ય મને ૩ વાર પ્રાપ્ત થયું છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવર આગળ મને પ્રમુખસ્વામી મહારાજે મને ધબ્બો આપીને આશીર્વાદ આપેલા એ મને આજે પણ યાદ આવે છે અને તેમની દિવ્યતા મને આજે પણ અનુભવાય છે.
મોહન ભાગવત – સર સંઘચાલક – આર એસ એસ:
મોહન ભાગવતે પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે. અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય આ ત્રણ શબ્દો આ નગરને વર્ણવે છે અને પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યો અને સંદેશો સરળતાથી સમજાવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ખુદ ઉચ્ચ જીવન જીવીને બતાવ્યું છે અને આપણને પણ એવું જીવન જીવવાની પ્રેરણા આપી છે. પ્રમુખસ્વામી મહારાજના દર્શાવેલા પથ પર આપને ચાલીશું તો સમાજમાં સમરસતાનું દિવ્ય વાતાવરણ સર્જાશે કારણકે તેમને નાત જાતના ભેદભાવ વગર દરેક મનુષ્યને બોલ્યા વગર પ્રેમ આપ્યો છે.
પ્રમુખસ્વામી મહારાજની આંખોમાંથી પોતાનાપણું જોવા મળતું હતું અને મને એમને ૪-૫ વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આજે તેમની મૂર્તિમાંથી આજે પણ પોતાનાપણું જોવા મળે છે અને એક નજરથી માણસના તમામ દોષો દૂર કરી નાખે એવી તેમની દૃષ્ટિ હતી. “પ્રમુખસ્વામી મહારાજ મારા છે” એવું દરેક માણસ ને લાગતું હતું કારણકે તેઓ દરેક માણસમાં ભગવાન જોઈને તેમને પ્રેમ આપતા હતા. પ્રમુખસ્વામી મહારાજ દરેક પરિસ્થિતિમાં અચળ અને શાંત રહેતા હતા.
આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરનાર તમામને હું અભિનંદન આપું છું કારણકે પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના, જીવનકાર્ય અને સંદેશો એકદમ સરળ ભાષામાં અહી દર્શાવવામાં આવ્યા છે.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો સાચો અર્થ આપણે પ્રમુખસ્વામી મહારાજે શીખવેલા આદર્શ મૂલ્યો જીવનમાં ઉતારીએ અને તેમને દર્શાવેલા પથ પર જીવન જીવવાની શરૂઆત કરીએ તે છે.
પ્રમુખસ્વામી મહારાજ “નિષ્કામ કર્મયોગી” હતા એટલે જ તેમની બધી કામના પૂરી થતી હતી. પ્રમુખસ્વામી મહારાજે અનેક યુવાનોને નવજીવન આપ્યું છે અને તેમને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે અને આદર્શ સમાજનું નિર્માણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.