અમેરિકા દુનિયામાં કોરોના વાયરસનો સૌથી મોટો ગઢ બની ગયું છે. ફેબુ્રઆરી મહિનામાં ચીનના વુહાન શહેરમાંથી વાયરસનો ઉદ્ભવ થયો ત્યારે અમેરિકામાં કોરોના વાયરસનો એક માત્ર કેસ નોંધાયો હતો. વર્તમાન સમયમાં વાયરસ સંક્રમણના ૨૧૩૩૭૨ દર્દીઓ છે. ૧ એપ્રિલના રોજ ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસથી ૮૮૪ લોકોના મોત થયા હતા જે અત્યાર સુધીમાં એક રેકોર્ડ છે. વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૦ લાખને પાર કરી ગઇ છે અને ૫૫ હજારથી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વિસ્તારથી વિશ્વ સમૂદાય ચિંતામાં પડયો છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવનારા બે સપ્તાહ અત્યંત કટોકટી ભર્યા હોવાનું જાહેર કરીને સંક્રમણ અને મોતનો આંકડો વધવાની શકયતા દર્શાવી છે. અમેરિકાએ અગાઉ આવી કોઇ મહામારીનો સામનો કર્યો ન હોવાનું માનવામાં આવે છે પરંતુ ૧૯૧૮માં સ્પેનિશ ફલુની મહામારી ફાટી નિકળી ત્યારે વિશ્વમાં ૫ કરોડ અને અમેરિકામાં ૭ લાખ લોકોના મોત થયા હતા.૧૯૧૮માં સ્પેનિશ ફલૂ વાયરસ જાન્યુઆરી મહિનામાં અમેરિકાના કન્સાસ પ્રાંતથી ફેલાયો જેને બે જ વર્ષમાં કાળો કેર વરતાવ્યો હતો. આ રોગમાં પણ છીંક, ખાંસી, નાકમાંથી પાણી વહેવું અથવા તો બંધ થઇ જવું, શરીરમાં દુખાવો, સ્નાયુ જકડાઇ જવા, તાવ તથા ઝાડા વગેરે લક્ષણો જોવા મળતા હતા.
સ્પેનિશ ફલુએ અમેરિકા, યૂરોપ, આફ્રિકા તથા એશિયાના વિવિધ ભાગો સહિત દુનિયાની એક તૃતિયાંશ વસ્તીને આવરી લીધી હતી.શહેરોમાં સ્કૂલ, થિએટર અને બિઝનેસ સાવ ઠપ્પ થઇ ગયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં અંધશ્રધ્ધા, દોરા,ધાગા અને પ્રલયની વાતો વહેતી થઇ હતી. આ મહામારી દરમિયાન પણ લોકોમાં માસ્ક પહેરવાનું ચલણ વધ્યું હતું. અમેરિકાના મેસાચ્યુસેટસના બુ્રકલિનમાં એક ઇમરજન્સી હોસ્પિટલનો સેટઅપ તૈયાર કરવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક જેવા શહેરોમાં કન્ડકટર હોય કે સ્વીપર માસ્ક પહેરીને જ ડયૂટી કરતા નજરે પડતા હતા. ગ્રામીણ કરતા શહેરોમાં સ્પેનિશ ફલુથી મરનારા લોકોની સંખ્યા ઝુંપડપટ્ટીઓ અને ગરીબ વિસ્તારમાં વધારે હતી. એ જમાનામાં હાલમાં જોવા મળતી અધતન સારવાર અને સુવિધાઓ દરેકને સરળતાથી મળતી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news