OneWeb India અને ગુજરાત સરકાર વચ્ચે થયા MOU- 3000 થી વધુ નવી રોજગારીની તકોનું થશે નિર્માણ

MoU between OneWeb India and Government of Gujarat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોની સંભાવનાઓને સંપૂર્ણ રીતે અનલોક કરવા માટે, સ્પેસ સહિત તમામ…

MoU between OneWeb India and Government of Gujarat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોની સંભાવનાઓને સંપૂર્ણ રીતે અનલોક કરવા માટે, સ્પેસ સહિત તમામ હાઈ ટેકનોલૉજી સેક્ટર્સમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો કરવાનું વિઝન આપ્યું છે. વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવાની દિશામાં આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લંડન સ્થિત OneWeb કંપની અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગ વચ્ચે ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ સ્થાપવા અંગે MoU કરવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી MoU હસ્તાક્ષર કાર્યક્રમમાં વન વેબ ઇન્ડિયા કમ્યુનિકેશન પ્રા. લિ.ના ડિરેક્ટર રાહુલ વેટ્સ અને રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.

વન વેબ દ્વારા ભારતમાં સ્થાપિત થનાર બે પ્રાઈવેટ ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ’ પૈકી એક ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થપાશે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં શરૂ થનાર આ સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટથી સરકાર, વ્યાપાર, ગ્રાહકો, શાળાઓ વગેરેને high-speed, low-latency અને affordable કનેક્ટિવિટી મળી રહેશે. તેમજ દેશમાં પોસાય તેવા દરે સતત અને સુરક્ષિત સેટેલાઇટ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન થશે.

ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત સમગ્ર ભારતના ગામડાઓ, જિલ્લા પંચાયતો સ્થાનિક વહીવટી સંસ્થાઓ, સરકારી વિભાગો વગેરેને પોસાય તે રીતે ઇન્ટરનેટ પૂરું પાડવા માટેનો આ એક પ્રતિષ્ઠિત અને અનોખો પ્રોજેક્ટ છે. તે અંતર્ગત વન વેબ દ્વારા ભારતમાં બે સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ્સ (SNP) ગુજરાત અને તમિલનાડુ ખાતે ઊભા કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતના જોટાણા તાલુકાના કટોસણ અને તેજપુરા ખાતે ઊભું થનાર આ સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ ૨૦૨૩માં શરૂ થશે, તેના ફેઝ-૧માં સંભવિત રૂ. ૧૦૦ કરોડથી વધુનું રોકાણ થશે. તેમજ રાજ્યમાં અંદાજે ૫૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરશે.

સ્પેસ એક્સપ્લોરેશન અને સ્પેસ એનેબલ્ડ સર્વિસીસ ભવિષ્યમાં શહેરી અને પ્રાદેશિક વિસ્તારોનું વધુ સારું આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, લોજિસ્ટિક્સ સર્વિસીસ, કુદરતી સંસાધનોનું મેપીંગ વગેરે ક્ષેત્રો તથા રાષ્ટ્રીય સુરક્ષા જેવા સ્ટ્રેટેજિક મહત્વના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ઉલેલેખનીય છે કે, OneWeb લો અર્થ ઓરબિટ (LEO) સેટેલાઈટ કંપની છે, જે ૬૪૮ જેટલા ઉપગ્રહો ધરાવે છે અને તેના દ્વારા ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે. વનવેબ વિષુવવૃત્તથી 36,000 કિમી ઉપર સ્થિત ભૂ-સ્થિર ઉપગ્રહોનો ઉપયોગ કરવાની પરંપરાગત પદ્ધતિને બદલે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરવા માટે LEO ઉપગ્રહોનો ઉપયોગ કરે છે. આથી 500-700 ms ધરાવતી જીઓસિંક્રોનસ વિષુવવૃત્તીય ભ્રમણકક્ષા (GEO) આધારિત નેટવર્કની સરખામણીમાં 100 ms કરતાં ઓછી લેટન્સી ધરાવે છે અને સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને મલ્ટિ-ડોમેન નેટવર્ક સેવા પૂરી પાડવા સક્ષમ છે.

સુરક્ષિત ગણાતી આ ટેકનોલૉજી હાલ યુરોપ અને કેનેડામાં કાર્યરત છે. ભારતમાં OneWeb એ મોબાઇલ નેટવર્ક ઑપરેટર્સને અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને Cost-effective Mannerમાં ઉપગ્રહથી Connectivity Service પૂરી પાડવા ઇચ્છે છે. મુખ્યમંત્રી સમક્ષ થયેલા આ MOU સાઈનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અધિક મુખ્યસચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ એસ. જે. હૈદર, સાયન્‍સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે અને ઉદ્યોગકારો જોડાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *