લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે અને ધીમે ધીમે ભાજપમાં કકળાટ બહાર આવી રહ્યો છે. જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ (Naran Kachhadiya MP) ગંભીર આરોપ લગાવ્યો કે અમરેલીમાં મજબૂત ચહેરાઓ હતા પણ તેમને ટિકિટ મળી ન હતી. ગુજરાતીમાં થેંક્યુ પણ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકરો સાથે દ્રોહ કરવામાં આવ્યો છે. ઉમેદવાર ભરત સુતરીયા સામે તેમણે નારાજગી પ્રગટ કરી હતી. ભરત સુતરીયાની પસંદગીના મામલે તેમણે ભાજપ હાઇકમાન્ડને આડે હાથ લીધું હતું.
ભાજપમાં થયેલા ભરતી મેળા અંગે ઉઠાવ્યા સવાલ
નારણ કાછડિયાએ ભાજપ સામે બળાપો કાઢ્યો છે. સાવરકુંડલા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં પક્ષના કાર્યકરોની લાગણીને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. નારણ કાછડીયાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી સવારે ભાજપમાં આવે, બપોરના સમયે ખેસ પહેરે અને બીજા દિવસે મંત્રી પણ બની જાય છે. પાર્ટીને મોટી કરવામાં આવે તેની સામે કોઈને વાંધો ના હોય પરંતુ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાના ભોગે પાર્ટી મોટી કરવી જોઈએ નહીં.
નારણ કાછડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 35 વર્ષથી બુંગણ પાથરતો કાર્યકર્તા હોય તેની સામે બહારથી આવેલા નેતાને ટિકિટ આપો અને સંનિષ્ઠ કાર્યકર્તા સામે બેઠેલો હોય છે. અમરેલીમાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેમાં કાર્યકર્તાઓની નારાજગી જવાબદાર છે. ભાજપમાં અનેક મજબૂત ચહેરા હતા, પરંતુ અહીં બોલી ન શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યો છે.
17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો: નારણ કાછડીયા
તેમણે કહ્યું કે 2019 માં 2 લાખ ઉપરાંતની જીત્યા હતા કે જિલ્લા પંચાયત કે એકપણ ધારાસભ્ય ન હતા છતાં ભાજપને લીડ મળી હતી. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્સનમાં 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો હોવાનો આરોપ નારણ કાછડીયાએ લગાવ્યો હતો. ઓછા મતદાન મુદ્દે પ્રહારો કર્યા હતા. કાછડિયાએ દાવો કર્યો હતો કે ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. નામ લીધા સિવાય સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસના નામે ભાજપના કાર્યકર્તાઓને ધમકી આપવામાં આવી રહી છે.
અગાઉ ભાજપે ડેમેજ કંટ્રોલ કર્યું હતું
અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડીયાની ટિકિટ કાપી જ્યારે ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી ત્યારે જ અમરેલી ભાજપનો જૂથવાદ સપાટી પર આવી ગયો હતો.પરંતુ તે સમયે પરિસ્થિતિ સંભાળીને ઘીના ઘી નાખવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તાઓ વચ્ચે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જો કે, જે તે સમયે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધું હતું અને તમામ નેતાઓને એકમંચ પર લાવી દીધા હતા.
દિલીપ સંઘાણીએ નામ લીધા વિના પાટીલ પર સાધ્યું નિશાન
નોંધનીય છે કે ગઇકાલે અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી વિશ્વની સૌથી મોટી ઈફકો કંપનીમાં બિનહરીફ ચૂંટાઈ આવતા અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ છે. પરંતુ દિલીપ સંઘાણીએ નામ લીધા વિના પાટીલ પર નિશાન સાધ્યું હતું. પક્ષ પલટો કરનારાઓને પદ આપવું એને ઈલુ-ઈલુ કહેવાય છે. ઈલુ-ઈલુ કહીને સહકારી ક્ષેત્રને બદનામ કરવાનો પ્રયાસ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App