નવસારી: અંબિકા નદીમાં ન્હાવા પડેલા એકનું ડૂબી જવાથી મોત

Navsari news: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એક કરુણ ઘટના બની હતી. મિત્રની બર્થ ડેની ઉજવણી કરી ચારથી પાંચ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. નદીમાં ન્હાવા પડેલા યુવકો ડૂબવા લાગતાં બૂવાબૂમથી સ્થાનિકો ભેગા થઈ 2 યુવકોને બચાવી લીધા હતા પરંતુ એક યુવક નદીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓ નદીમાં શોધખોળ કરી ભારે જહેમદ બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. વાંસદા પોલીસે ઘટના સ્થળ પર આવી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર વાંસદાના ઉનાઈ ગામના નાકા ફળિયામાં રહેતો બ્રિજેશ નામના યુવકનો જન્મ દિવસ હતો, ત્યારે બ્રિજેશના મિત્ર વિશાલ નવીનભાઈ ગાયકવાડ સહીત અન્ય મિત્રો સરા ગામની સીમમાં અંબિકા નદીએ ઉજવણી કરવા પહોંચ્યા હતા. જન્મ દિવસની ઉજવણી માટે 6-7 યુવાનો ભેગા થયા હતા. જ્યાં બર્થ ડેની ઉજવણી બાદ વિશાલ સાથે 4-5 યુવાનો નદીમાં નહાવા ગયા હતા. જોકે અંબિકા નદીના પ્રવાહ વધારે હોવાથી અંદાજે ત્રણ યુવકો ડૂબી રહ્યાં હતા ત્યારે અન્ય મિત્રો દ્વારા બુમાબુમ કરી મુકતા સ્થાનિક ગ્રામજનોએ નદીમાં કૂદીને બે યુવકને બચાવી લીધા હતા પરંતુ વિશાલ ગાયકવાડ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે તરવૈયાઓ સાંજના સમયે જ વિશાલની શોધખોળ હાથ ધરી હતી.

સરા ગામના સરપંચે પણ પોતે નદીના ઊંડા પાણીમાં ઝંપલાવી મોડી રાત સુધી યુવકની શોધખોળ કરી હતી, જો કે યુવક મળી આવ્યો ન હતો, ત્યારે બીજા દિવસે ફરી એકવાર સરપંચએ નદીમાં ઝંપલાવી યુવકની શોધ કરી હતી જોકે યુવકની કોઈ ભાર ન મળતા એનડીઆરએફની ટીમ પણ નદીમાં ડૂબેલા યુવકની શોધખોળ કરવા પહોંચી હતી અને જહેમત બાદ આ યુવકનો મૃતદેહ અંબિકા નદીમાંથી મળી આવ્યો હતો. જ્યારે મિત્રના જન્મ દિવસનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો અને પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવા કરૂણ દૃશ્યો સર્જાયા હતાં.

વધુ માહિતી અનુસાર સરા ગામના યુવકો 3જી ઓકટોબરના રોજ બર્થ ડે પાર્ટી કરવા માટે આવ્યા હતા. જ્યાં સાંજે 6 વાગ્યાના અરસામાં 4-5 જણા નદીમાં નાહવા પડયા હતા. જેમાંથી 3 યુવકો ડૂબી રહ્યા હોવાનું જણતા ત્યાં હાજર માછીમારીએ 2 યુવકને બચાવી લીધા હતા. જોકે 1 યુવક મોડી સાંજ સુધી મળી આવ્યો નહતો.ત્યાર બાદ બીજા દિવસે યુવકની લાશ મળી આવતા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.