Nifty New Record: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ- પહેલીવાર પહોંચ્યો 20,000ની પાર, આ શેરે કરાવી સૌથી વધારે કમાણી

Nifty New Record: સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર દિવસ(Nifty New Record) સાબિત થયો છે. શેરબજારના બંને સૂચકાંકો શરૂઆતના ટ્રેડિંગથી જ લાભ સાથે લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને દિવસના ટ્રેડિંગના અંત પહેલા જ મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી-50 એ ઈતિહાસ રચ્યો હતો. આ ઇન્ડેક્સ પ્રથમ વખત 20,000ની સપાટીને પાર કરી ગયો.

વાસ્તવમાં, બપોરે 3.20 વાગ્યે, નિફ્ટી ઇન્ડેક્સ તેના અગાઉના તમામ રેકોર્ડ તોડીને રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો અને 20,000ની સપાટીને પાર કરી ગયો હતો. નોંધનીય છે કે જુલાઈ 2023 પછી નિફ્ટીનો આ નવો રેકોર્ડ હાઈ છે. અગાઉ આ આંકડો 19,995 હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી નિફ્ટી 187.10 પોઈન્ટના વધારા સાથે 20,007.05 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

સોમવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ સવારે 9.15 વાગ્યે 19,890ના સ્તરે ખૂલ્યો હતો. માર્કેટમાં ટ્રેડિંગ આગળ વધતાં નિફ્ટીએ પણ વેગ પકડ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 20,008.15ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. આ પ્રથમ વખત છે જ્યારે નિફ્ટીએ આ સ્તરને પાર કર્યું છે. નિફ્ટીએ 36 સેશનમાં આ રેકોર્ડ સ્તર હાંસલ કર્યો છે.

નિફ્ટી-50 તેની ઓલ-ટાઇમ હાઈ (નિફ્ટી ઓલ ટાઈમ હાઈ)ને સ્પર્શી ગયો છે અને માર્ચ 2023થી 15 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. જો કે, અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ, ટ્રેડિંગની છેલ્લી મિનિટોમાં શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 20,000ના સ્તરની નીચે બંધ થયો હતો. બજારના અંતે તે 176.40 પોઈન્ટના વધારા સાથે 19,996.35ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીની સાથે, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે પણ દિવસભર ઝડપી કારોબાર કર્યો અને અંતે મજબૂત વધારા સાથે બંધ થયો. ગયા શુક્રવારના 66,598.91 ના બંધની સરખામણીમાં, સોમવારે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 66,807.73 પર ખુલ્યો હતો.

ટ્રેડિંગ દરમિયાન તે 67,172.13ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને અંતે 528.17 પોઇન્ટના વધારા સાથે 67,127.08ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડાઈસિસમાં આજે પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. મેટલ, ઓટો. એનર્જી શેરોમાં ઉછાળો જોવા મળ્યો તો બેન્કિંગ, એફએમસીજી અને આઈટી શેરોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *