ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર સાળંગપુર કષ્ટભંજન દેવનો 100 કિલો ફુલોથી કર્યો ભવ્ય શણગાર- ઘરેબેઠા કરો દાદાના LIVE દર્શન

Kashtabhanjan Hanumanji Mandir: વડતાલ ધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આજે ગુરુ પૂર્ણિમાના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાનું વિશેષ પૂજન કરાયું હતું. આ પછી ગોપાળાનંદ સ્વામીનું પૂજન કરાયું હતું. તો હનુમાનજી દાદાને(Kashtabhanjan Hanumanji Mandir) આજે સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે જ દાદાના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફુલનો પણ શણગાર કરાયો છે.

હનુમાનજી દાદાને સોનાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે. ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દર્શને આવી રહ્યા છે.

ભક્તોએ પોતાના ગુરુનું પૂજન કરી તેમજ આધ્યાત્મિક જગતના સૌથી મોટા ગુરુ એવા હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળે છે. તો મંદિર દ્વારા આજે હનુમાનજી દાદાને સોનાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. તેમજ મંદિરે આવતા તમામ ભક્તો માટે મંદિર દ્વારા ભોજન, રહેવા સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

હરિભક્તોમાં અનેરો ઉત્સાહ
મહત્ત્વનું છે કે, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી આજે દાદાને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા છે અને તેમના સિંહાસને ગુલાબ અને ગલગોટાના ફુલનો વિશેષ શણગાર કરાયો છે. આજે દાદાની મંગળા આરતી અને શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીના દર્શનનો હજારો લોકોએ લ્હાવો લઈને ધન્યતા અનૂભવી હતી. આજે સાંજે 5.30થી 7 વાગ્યા સુધી દાદાનું ષોડશોપચાર પૂજન કરાશે. જેનો લ્હાવો હજારો ભક્તો લેશે.

હરિભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો
આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને 100 કિલો ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે જ દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પણ પહેરાવ્યા છે. દાદાના સિંહાસને શણગાર કરવા માટે ગુલાબ અને ગલગોટાના ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. ત્યારે આજે પૂનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે.