લો બોલો હવે સમુહ લગ્નના આયોજકો પણ ઉઠવા લાગ્યા, કન્યા વિદાય પહેલા જ રડવા લાગી: જાણો ક્યાંની છે ઘટના

Rajkot samuh lagna: રાજકોટના રેલનગરમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોવા જેવી થઈ હતી. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જેમણે આયોજન કર્યું હતું તે જ આયોજકો ફરાર થઈ ગયાં હતાં. જેના કારણે જાન લઈને આવેલાં જાનૈયાઓ મુશ્કેલીમાં(Rajkot samuh lagna) મુકાયા હતાં. આટલું મોટું આયોજન કરી પૈસા લઈ આયોજકો રફુચક્કર થઈ જતા વરઘોડિયા અને પરિવારજનો રજળી પડ્યા હતાં.

કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી પૈસા ઉઘરાવ્યા
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવદંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવવામા આવ્યા હતાં અને એન.વી ઈવેન્ટ ગ્રુપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી.

રુપિયા લઈને આયોજકો ફરાર
ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ બંધ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા છે. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.