આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટની સામે એક પ્રાઇવેટ હોટેલમાં પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ અને પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા કેસ, પાટીદાર સમાજને અનામત મળે તે મુદ્દા પર ચર્ચા થવાની હતી. પરંતુ આ મિટિંગ ની પૂર્વભૂમિકા બંધાઈ એ પહેલા જ હોટેલ સંચાલકો દ્વારા પાવર સપ્લાય કટ કરી દેવામાં આવી હતી. અને એકઠા થયેલા આંદોલનકારીઓને બહાર નીકળી જવા સૂચના આપી હતી.
હોટેલ સંચાલકો દ્વારા અપાયેલા નિવેદન અનુસાર આ બેઠકમાં માત્ર 15 20 લોકો જ આવશે અને આ બેઠકમાં હાર્દિક પટેલ નથી આવવાના તે શરતે હોલ બુક કરાયો હતો. પરંતુ આ બેઠકમાં જેવી હાર્દિક પટેલની એન્ટ્રી થઈ તે સાથે જ હોટેલ સંચાલકોએ પાવર સપ્લાય કટ કરી દીધો હતો અને તમામ આંદોલનકારીઓને હોટેલ બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમ્યાન આ મિટિંગ ના આયોજક દિનેશ બાંભણીયાએ દલીલો કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મિટિંગ માં કોઈ રાજનીતિની વાત નથી થઈ રહી તેવી કેફિયતની વાત કરી હતી.
હોટેલ સંચાલકો વારંવાર અમારે ધંધો કરવાનો છે, અમારી પર મહેરબાની કરો તેવા નિવેદનો કરાયા હતા. બીજી તરફ હાર્દિક પટેલ આ બોલાચાલી શરૂ થઈ અને તુરંત જ બેઠકનું સ્થળ છોડવાનું પસંદ કર્યું હતું. મીડિયા સાથે વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે અલ્પેશ ની જેલમુક્તિ માટે બધા સાથે જ છીએ, અને આશા રાખીએ કે અલ્પેશ જલ્દીથી જેલમુક્ત થાય. બીજી તરફ દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના પ્રેશરથી હોટલ માલિકોએ અમને મિટિંગ કરવા નથી દીધી. પરંતુ આવતા દિવસોમાં અમે અલ્પેશ ને છોડાવવા માટે પ્રયત્નશીલ રહીશું.
અન્ય આંદોલનકારી અતુલ પટેલે પણ સરકાર ના પ્રેશરને લીધે જ આજની મિટિંગ કેન્સલ થઈ છે તે આક્ષેપ કર્યો હતો. દિલીપ સાબવાએ પણ ભાજપ સરકાર પર જે રીતે 2017 ચૂંટણી પહેલા આંદોલનકારીઓને વિખેરવા પ્રયત્ન કર્યા હતા તેવા પ્રયત્ન ફરીથી કરી રહ્યા છે તેવો આરોપ મૂક્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ હોટેલ નીચે ઉતરીને આંદોલનકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાંજણાવ્યું હતું કે આવતી 26 તારીખે સાબરમતી જેલથી ગાંધી આશ્રમ સુધી મૌન બાઇક રેલી ની જાહેરાત કરી હતી. એક વાત સાફ છે કે સરકાર ફરી એકવાર પાટીદાર આંદોલનકારીઓને એક થવા દેવા નથી માંગતી!!