પરેશ ધાનાણીએ CM રૂપાણી પાસે ખેડૂતો માટે રાહત પેકેજ સહીત કરી આટલી માંગણી- વાંચો

વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાના ખેડૂતને લગતા કામોને કારણે લોકપ્રિયતા ધરાવે છે. ત્યારે તેમણે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારને કોરોના ના કહેર વચ્ચે રાહત આપવા માટે અલગ અલગ સૂચનો અને માંગણી કરી છે. પોતાના પત્રમાં પરેશ ધાનાણી લખે છે કે,

ખેડૂત પાયમાલ થઈ ગયો છે, દેવાના બોજ તળે દબાઈ ગયેલ છે, સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર ખેતી છે, વિતેલા વર્ષોમાં દુષ્કાળ, કુદરતી આપત્તિ, કમોસમી વરસાદ વગેરે કારણોસર રાજ્યનાં ખેડૂતોના બેહાલ થઈ ગયા છે. લાખો લોકોને પગભર કરતો ખેડૂત અને અન્ન સલામતી પુરી પાડતું મોટામાં મોટું ક્ષેત્રકોરોના વાયરસનાં આંતકમાં ફસાવાથી તેમજ વિતેલા દુષ્કાળના વર્ષો તથા કમોસમી વરસાદથી પાયમાલ થઈ રહ્યું છે તેમ છતાં આજદિન સુધી જગતના તાતને બચાવવા માટે કોઈ નક્કર પગલાંઓ લેવામાં આવેલ નથી કે ખેડૂતો માટે કોઈ ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ નથી, ત્યારે ખેડૂતો માટે નીચે મુજબના પગલાંઓ લેવા વિનંતી છે.

(૧) ગત વર્ષની પાક નુકસાનીનુ પૂરુ વળતર ચૂકવવુ જોઈએ
(૨) ગત વર્ષનાં પાકવિમાની ત્વરિત ચુકવણી કરવી જોઈએ

(૩) ખેડૂતોની તમામ ખેત પેદાશોની દરેક તાલુકા કક્ષાએ પોષણક્ષમ ટેકાનાં ભાવે ખરીદી કરવી જોઈએ
(૪) ગત વર્ષનુ ધિરાણ વગર વ્યાજે તબદીલી કરીને નવી લોન આપવી જોઇએ

(૫) સમગ્ર રાજ્યમાં ‘કિસાન સન્માન નિઘી’ તળે તમામ હપ્તાની સત્વરે ચુકવણી કરવી જોઈએ
(૬) ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતર માટે ગુણવત્તા યુકત ખાતર, બિયારણ અને દવાની પુરતી માત્રામાં ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી જોઈએ

(૭) ચાલુ વર્ષે ખરીફ પાક વાવેતર માટે ખાતર-બિયારણ-દવાની તગાવી સહાય આપવી જોઈએ
(૮) સમગ્ર રાજ્યનાં ખેડૂતોને ખેત સુધારણા માટે ખેત તલાવડી/તળાવો/નદી-નાળામાંથી ખેત સુધારણા માટે વિના મૂલ્યે માટી લેવાની ખેડૂતોને છૂટ આપવી જોઈએ

(૯) ખેત ઉપયોગની વિજળી અને સિંચાઈના દરોમાં ખાસ રાહત આપવી જોઈએ
(૧૦) સમગ્ર રાજ્યનાં સીમાંત અને નાના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા જોઈએ

(૧૧) રાજ્યમાં ખેત મજદૂરોને મનરેગા તળે વધારાનાં ૧૦૦ દિવસની રોજગારી આપવી જોઈએ
(૧૨) બિયારણ ઉત્પાદન કરતાં એકમો મૃતઃપાય હાલતમાં છે. ત્યારે ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ મળી શકે તે માટે આવા એકમોને પ્રોત્સાહિત કરી પુનઃ બેઠા કરવા જોઈએ.

(૧૩) સૌની યોજનામાંથી નદી-નાળા-ચેક ડેમ ભરવા જેથી જમીનના તળ ઉંચા આવ્યેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને નવા પાકનું વાવેતર કરી શકે.
(૧૪) હાલ વાર્ષિક સરેરાશ રૂ પાંચ હજાર કરોડ ઊપરાંતનુ ભારણ ઉઠાવતા ૪૩ જેટલા ક્રૃષી પાકો સહિત તમામ ખેતી ઊપજોને જીએસટી કરવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ.

(૧૫) ભૂતકાળમાં મગફળી તથા કઠોળ કાંડની જેમ હાલ કપાસની ખરીદીમાં ભેદભાવ અને અનિયમિત્તા અંગે ઉભી થઈ રહેલી ફરીયાદોના નિવારણ માટે સત્વરે કડક કાર્યવાહી કરવી.

(૧૬) કોરોનાની મહામારી વચ્ચે કમોસમી વરસાદથી તરબૂચ, શક્કર ટેટી, કેરી, ચીકુ સહિત બાગાગતી પાક તેમજ ડુંગળી, તલ, મગફળી અને કપાસ સહિતના ઉનાળુ પાકોને થયેલ નુકશાની અંગે વળતર આપવું જોઈએ.
ખેતી ઉપર ૫૪.૪૮ લાખ ખેડૂત પરિવારો અને ૬૮ લાખ કરતાં વધુ ખેતમજૂરો સહિત અડધા ઉપરાંત ગુજરાતનો જવન નિર્વાહ કરે છે. વાર્ષિક સરેરાશ એક લાખ કરોડ રૂપિયાના ક્રૃષી ઉત્પાદન સાથે રાજ્યના જીડીપીમાં સરેરાશ ૧૫.૫% જેટલુ યોગદાન રહેલું છે તેવા અન્નદાતાનાં ઉકળાટને ઠારવા અન્ય રાજ્યોની સરખામણીએ ક્રૃષી ક્ષેત્ર માટે ગુજરાતના બજેટમાં ફાળવણી વધારવી જોઈએ.

હાલ આર્થિક બોજો, વ્યાંજકવાદીઓની જાળ અને જમીન માફિયાઓની જંજાળમાં ફસાયેલા જગતનાં તાતને જીવતદાન આપવા સત્વરે કાર્યવાહી કરવા માટે પગલાંઓ લેવા માટે વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *