કોંગ્રેસના નેતા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું ગઇકાલ મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. પિતાના અવસાનથી પરેશ ધાનાણી સહિત સમગ્ર પરિવાર તેમજ આસપાસના પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
77 વર્ષીય ધીરજલાલને સામાન્ય ડાયાબિટીસ હતું. જો કે હૃદયરોગનાં હુમલાથી તેમનું નિધન થયાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, સવારે પિતાના આશિર્વાદ લઈ ઘરેથી નીકળ્યો હતો. બાદમાં દિવસભર સામાજીક કાર્યક્રમોમાં હાજરી આપીને ગાંધીનગર ખાતે પરત ફરી રહ્યો હતો ત્યારે પિતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે.
હાલ કોંગ્રેસના અનેક નેતાઓએ સ્વ.ઘીરજલાલને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. અને મિત્ર વર્તુળ સહિતના શૂભેચ્છકો તેમજ સંબંધીઓ તેમના ગજેરાપરા ખાતેના નિવાસે પહોંચી ગયા છે. બુધવારે બપોરે 3 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી સદગતની અંતિમયાત્રા નિકળશે.
આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “ઈશ્વર ઈચ્છા બળવાન.” અમારા પુજ્ય પિતાશ્રી ધીરૂભાઈ રવજીભાઈ ધાનાણીનુ તા.25 ડિસે.ના રોજ દુઃખદ અવસાન થયેલ હોય ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના કરું છું, અંતિમ વિધિ આજે તા.26 ડિસે.ના રોજ બપોરે 3.00 કલાકે અમારા નિવાસ સ્થાને ગજેરાપરા, અમરેલી ખાતે રાખવામાં આવેલી છે.
“ઈશ્વર ઈચ્છા બળવાન”
અમારા પુજ્ય પિતા શ્રી ધીરૂભાઈ રવજીભાઈ ધાનાણીનુ તા.૨૫ ડિસે.ના રોજ દુઃખદ અવસાન થયેલ હોય ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના કરું છુ,
અંતિમ વિધિ આજે તા.૨૬ ડિસે.ના રોજ બપોરે ૩-૦૦ કલાકે અમારા નિવાસ સ્થાને ગજેરાપરા, અમરેલી ખાતે રાખવામાં આવેલી છે. pic.twitter.com/obCLeahg3S
— Paresh Dhanani (@paresh_dhanani) December 25, 2018
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.
ચાવડાએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાશ્રીનું અચાનક અવસાન થતાં દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. ભગવાન ધાનાણી પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સદગતની આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું.