વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) કાશી(Kashi)માં આજે પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર(Kashi Vishwanath Corridor)નું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. જેમાં સૌ પ્રથમ પીએમ મોદી કાળ ભૈરવ મંદિર(Bhairav Temple)માં દર્શન કર્યા હતા અને ત્યાંથી ક્રૂઝમાં સવાર થઈને મહાદેવનાં મંદિર ખાતે પહોંચ્યા હતા. જોકે આજે વારાણસીનાં રસ્તાઓ પર જાણે શિવભક્તોની માનવમેદની ઉમટી પડી હતી તેવું લાગી રહ્યું હતું. પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન મોદી કાશી પહોંચ્યા હતા અને મહાદેવનાં ભવ્ય મંદિરને જોઈને અભિભૂત થઈ ગયેલ ઉત્તરપ્રદેશ વાસીઓ પણ વડાપ્રધાન મોદીનો આભાર માનવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
પીએમ મોદીએ રોકી દીધો કાફલો અને પછી…
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જ્યારે કાશીની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મસમોટી ભીડમાં એક વ્યક્તિ પાઘડી અને ખેસ લઈને વડાપ્રધાન મોદી તરફ દોડી જાય છે. વ્યક્તિને જોતાં જ કમાન્ડો હરકતમાં આવી જાય છે અને લોકોને કાબૂ કરવા માટે પકડી રહ્યા છે, જોકે વડાપ્રધાન મોદી પોતાની કારને ત્યાં જ ઊભી રાખી દે છે અને પછી દરવાજો ખોલીને પાઘડી અને ખેસ લઈને આવેલ એક વ્યકિત ભેટ સ્વીકાર કરે છે. વડાપ્રધાન મોદીના કાફલાને આ પ્રકારે રોકવામાં આવે તો કમાન્ડોનો પરસેવા છૂટી જાય તો તેમાં નવાઈ નથી.
કાશી વિશ્વનાથ ધામની ખાસ વાતો:
લગભગ 1.5 લાખ ચોરસ ફૂટમાં બનેલું કાશી વિશ્વનાથ ધામ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ભવ્ય કોરિડોરમાં 23 નાની-મોટી ઈમારતો અને 27 મંદિરો છે. હવે કાશી વિશ્વનાથ આવતા ભક્તોને સાંકડી શેરીઓ અને સાંકડા રસ્તાઓમાંથી પસાર થવું નહીં પડે. આ આખો કોરિડોર લગભગ 50,000 ચોરસ મીટરના વિશાળ સંકુલમાં બનાવવામાં આવ્યો છે.
આ કોરિડોરને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં 4 મોટા દરવાજા અને પ્રદક્ષિણા માર્ગ પર 22 આરસના શિલાલેખ લગાવવામાં આવ્યા છે. આમાં કાશીનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કોરિડોરમાં મંદિર ચોક, મુમુક્ષુ ભવન, ત્રણ પેસેન્જર સુવિધા કેન્દ્ર, ચાર શોપિંગ કોમ્પ્લેક્સ, મલ્ટીપર્પઝ હોલ, સિટી મ્યુઝિયમ, વારાણસી ગેલેરી જેવી સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે.
કાશી વિશ્વનાથ મંદિરનો ઈતિહાસ:
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના નિર્માણ અને પુનઃનિર્માણ વિશે ઘણી ધારણાઓ છે. ઈતિહાસકારોના મતે, વિશ્વનાથ મંદિરનું નિર્માણ અકબરના નૌરત્ન રાજા ટોડરમલે કરાવ્યું હતું. વારાણસી સ્થિત કાશી વિદ્યાપીઠમાં ઈતિહાસ વિભાગમાં પ્રોફેસર રહેલા ડૉ. રાજીવ દ્વિવેદીએ બીબીસીને કહ્યું, ‘વિશ્વનાથ મંદિરનું નિર્માણ રાજા ટોડરમલે કરાવ્યું હતું, તેના માટે ઐતિહાસિક પુરાવા છે અને ટોડરમલે આવા ઘણા બાંધકામો કર્યા છે. જો કે તેણે આ કામ અકબરના આદેશથી કરાવ્યું હતું, પરંતુ આ વાત ઐતિહાસિક રીતે વિશ્વાસપાત્ર નથી. અકબરના દરબારમાં રાજા ટોડરમલની સ્થિતિ એવી હતી કે તેમને આ કામ માટે અકબરના આદેશની જરૂર ન હતી.
કહેવાય છે કે સો વર્ષ પછી ઔરંગઝેબે આ મંદિરને તોડી નાખ્યું હતું અને ત્યારબાદ લગભગ 125 વર્ષ સુધી અહીં વિશ્વનાથ મંદિર નહોતું. આ પછી, વર્ષ 1735 માં, ઇન્દોરની મહારાણી દેવી અહલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું. હવે 286 વર્ષ બાદ આ મંદિરને નવા અવતારમાં દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે. 2,000 ચોરસ મીટરમાં ફેલાયેલા મંદિરમાં દર્શન કરવા લોકોને સાંકડી શેરીઓમાંથી આવવું પડતું હતું, પરંતુ આ દિવ્ય અને ભવ્ય કોરિડોરના ઉદ્ઘાટન બાદ હવે લોકો બાબા વિશ્વનાથના દર્શન સરળતાથી કરી શકશે.
કાશી વિશ્વનાથ મંદિરનું મહત્વ:
એવું કહેવાય છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂળ પર વિરાજે છે. દૂર-દૂરથી લોકો અહીં બાબા વિશ્વનાથના દર્શન કરવા આવે છે. કાશીને પવિત્ર શહેરોમાંનું એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વનાથ અહીં બ્રહ્માંડના સ્વામી તરીકે નિવાસ કરે છે. કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ જ્યોતિર્લિંગ મંદિર ગંગા નદીના પશ્ચિમ ઘાટ પર આવેલું છે. કાશીને ભગવાન શિવ અને માતા પાર્વતીનું સૌથી પ્રિય સ્થાન માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કાશીમાં બાબા વિશ્વનાથના માત્ર દર્શન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.