શતાબ્દી મહોત્સવમાં છલકાયો ભક્તોનો મહાસાગર- પ્રમુખસ્વામી મહારાજની જયનાદોથી ગુંજી ઊઠ્યું અમદાવાદ

Pramukh Swami Shatabdi Mahotsav: સમગ્ર વિશ્વ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તેવા, અમદાવાદમાં SP રિંગ રોડ પર ૬૦૦ એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નો આજે ૧૪ ડિસેમ્બરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો હતો. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંજે ૫.૩૦ કલાકે નગરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સભામાં લાખો ભક્તો અને ભાવિકોનો મહાસાગર છલકાતો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને BAPS ના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટનના માંગલિક સમયે પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવના પ્રેરણામૂર્તિ મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી નગરના મુખ્ય કલાત્મક અને ભવ્ય પ્રવેશદ્વાર – ‘સંત દ્વાર’ પાસે પધાર્યા. વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે મહંતસ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદીએ સૂત્ર છોડીને વિધિવત ઉદ્ઘાટન કર્યું.

મહંતસ્વામી મહારાજ, પ્રધાનમંત્રી અને મહાનુભાવો નગરમાં પ્રવેશ કરી મુખ્યપથ પર પધાર્યા. પથની બંને બાજુ સેંકડો બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા સૌનું સ્વાગત કર્યું. સૌનું સ્વાગત ઝીલતાં મહાનુભાવો નગરના કેન્દ્ર સમાન ‘પ્રમુખ વંદના સ્થળ’ પર પહોંચ્યા, જ્યાં ૧૫ ફૂટની પીઠિકા પર વિરાજિત પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી નયનરમ્ય, દિવ્ય પ્રતિમા પર પ્રધાનમંત્રીએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી.

અહીંથી પ્રધાનમંત્રી દિલ્લી અક્ષરધામની પ્રતિકૃતિ એવા ૬૭ ફૂટ ઊંચા મંદિર પાસે આવ્યા હતા. મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સ્વામિનારાયણ અને સંતપરંપરા તથા મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન શ્રી સીતા- રામ, શ્રી રાધા-કૃષ્ણ, શ્રી શિવ પાર્વતી વગેરે સ્વરૂપોને વંદન કરી પ્રદક્ષિણા કરી હતી. નગરમાં ગ્લો ગાર્ડન અને બાલનગરીની મુલાકાત લઈ સૌ સભામંડપમાં પધાર્યા.

BAPS સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં નરેન્દ્ર મોદી ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેમણે અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

વર્ષ 2016, પ્રમુખસ્વામી મહારાજના દેહત્યાગ સમયે સ્વાતંત્ર્ય દિને સારંગપુર પહોંચીને ગદગદ કંઠે અર્પેલી ભાવાંજલિ વિષે જણાવતા PM મોદીએ કહ્યું- “કેટલા બધા વર્ષોનો નાતો! જયારે જાહેર જીવનમાં મારી કોઈ જ ઓળખાણ-પિછાણ નહોતી, ત્યારથી લઈને એક સંતાનને જેમ પાલવે, પોષે, મઠારે એવો પિતૃતુલ્ય લાભ મને પ્રમુખસ્વામીજી પાસેથી મળ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની વિદાયથી મેં તો પિતા ગુમાવ્યા છે”

PM મોદીએ વધુમાં કહ્યું- “પ્રમુખસ્વામી મહારાજ આપણા માટે ગુરુ તરીકે જેમ ઉત્તમ પથદર્શક રહ્યા છે, એમ એ શિષ્ય તરીકે ઉત્તમ શિષ્ય પુરવાર થયા છે. અને એક ઉત્તમ શિષ્ય તરીકે યોગીજી મહારાજની એ ઈચ્છા યમુનાને કિનારે અક્ષરધામ બનાવીને પૂરી કરી. 1992 માં શ્રીનગરના લાલચોકમાં હું તિરંગો ઝંડો ફરકાવવા ગયો. હજી તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો અને મને બે ટેલીફોન મળ્યા. પહેલો ફોન હતો પ્રમુખસ્વામીજીનો! બીજો ફોન મારી માતાનો!”

વધુમાં કહ્યું “આવી વિભૂતિ, એક યુગપુરુષ, ઉત્તમ સંતકોટિની મહાન પરંપરાના નિયંતા અને આગળ આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ આજે વિદાય થયું છે. પરંતુ પ્રમુખસ્વામીજી સ્વધામમાં હોય તોપણ એમનાં આચાર-વિચાર, ત્યાગ, તપશ્ચર્યા, જીવન, સંયમ, નૈતિકતા આ સઘળું આપણા શ્વાસેશ્વાસમાં હરપળ રહેશે.”

પ્રમુખસ્વામી નગરની દર્શનયાત્રામાં ઉપયોગી માહિતી:
મહોત્સવ: ૧૫ ડિસેમ્બર થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩
સમય: સોમવાર થી શનિવાર: બપોરે ૨ થી રાતના ૯ સુધી, રવિવારે સવારના ૯ થી રાતના ૯ સુધી
નગરમાં પધારવા કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, નિ:શુલ્ક પ્રવેશ, નિ:શુલ્ક પાર્કિંગ

મહોત્સવ સ્થળ પ્રવેશ: ભાડજ સર્કલથી આવનાર માટે ગેટ નં: ૨,૩ અને ૪, ઓગણજ સર્કલથી આવનાર માટે ગેટ નં ૫, ૬ અને ૭.
નિ:શુલ્ક આકર્ષણો, પ્રદર્શન ખંડો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો
નજીવા દરે પ્રેમવતી પ્રસાદમ ઉપહાર ગૃહમાં ભોજનની વ્યવસ્થા

નગરમાં નેવિગેશનની સરળતા અને તમામ આકર્ષણોની માહિતી માટે ‘PSM100 Nagar’ એપ્લીકેશન
એપ્લિકેશનમાં આપના ઘરેથી મહોત્સવ સ્થળ સુધી નેવિગેશન અને આપને આપના વાહન સુધી પહોંચાડવા QR Code સ્કેનીંગ દ્વારા અદ્ભુત વ્યવસ્થા
દરરોજ સાંજે ૫ થી ૭:૩૦ દરમિયાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *