ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરાં: બર્થડે પાર્ટીમાં સુરતના નબીરાઓએ દારૂની મહેફીલ માણ્યાનો એક ક્લિક પર જુઓ વિડીયો

Surat Birthday Party: કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રાજ્યનું કોઈ શહેર કે ગામડું એવું નહીં હોય જ્યાં છૂટથી દારૂ વેચાતો કે પીવાતો નહીં હોય. સુરતની વાત કરીએ તો અહીંની પ્રજા મોજશોખથી જીવન જીવવા માટે જાણીતી છે. અહીં દર મહિને કરોડોનો દારૂ વેચાય અને પીવાતો હોય છે.ત્યારે આવો જ એક દારૂની પાર્ટીનો(Surat Birthday Party) સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ ભારે ચકચાર મચાવી છે.સુરતમાં એક યુવકની બર્થ ડે પાર્ટીમાં એકઠા થયેલા નબીરાઓએ દારૂની મહેફીલ માણી હતી. આ દારૂની મહેફીલનો વીડિયો ઉતારીને જાણે કે સારું કામ કરતા હોઈ તેવી રીતે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે.

સુરતમાં દારૂની મહેફિલ
વાત એમ છે કે, કોઈ બંધ રૂમમાં કેટલાંક યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યાં છે. આ મહેફિલનો યુવાનો પૈકીના કોઈ એક યુવાને વીડિયો રેકોર્ડ કર્યો અને તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થતા પોલીસ તંત્ર દોડતું થયું છે.મળતી માહિતી અનુસાર વિકાસસિંગ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઇડી પર વીડિયો અપલોડ કરાયો છે. સુત્રોએ કહ્યું કે, મિત્ર રૂદ્રા મિશ્રા નામના યુવકના જન્મદિન નિમિત્તે દારુ પાર્ટી કરાઈ હતી. જન્મદિવસ જે યુવકનો છે તે રૂદ્રા મિશ્રાના જન્મદિવસમાં ફૂલ એન્જોયમેન્ટ કર્યું હોવાનું લખાયું છે.

દારૂ પીતા નબીરાઓનો વીડિયો વાયરલ
વિકાસસિંગ રાજપૂત અને રૂદ્રા મિશ્રા બે નંબરના ધંધા સાથે પંકાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે. સમગ્ર વાયરલ વીડિયો પાંડેસરા વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂની છોળો ઉછળી રહી હોવાનું વાયરલ વીડિયોમાં સામે આવ્યું છે. જેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અમદાવાદમાં પકડાયો દારૂ
તો બીજી તરફ અમદાવાદ શહેરમાં ઘણા સમય પછી એક સાથે છ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી દેશી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં શહેરના પોસ વિસ્તાર ગણાતા સોલામાં પણ દેશી દારૂ વેચાતો હતો. જ્યારે પશ્ચિમના એક વિસ્તારમાં દારૂ સંતાડવા માટે બનાવેલું હાઇડ્રોલિક ભોયરું પણ રેડ દરમિયાન સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં એક સાથે થયેલી આટલી મોટી રેડ ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બન્યો છે. પોસ વિસ્તારમાં ચાલુ દારૂના વેચાણ સંદર્ભે એવી પણ ચર્ચા છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ ગયા બાદ પણ ગેરકાનૂની દારૂ વેચાઈ રહ્યો હતો.