સુરતમાં દિનપ્રતિદિન નવા બાંધકામો, પ્રોજેક્ટો ના બાંધકામ માં વધારો થઇ રહ્યો છે પરંતુ અમુક લેભાગુ અને ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત અને અમુક માથાભારે તત્વો કે જેમનો ધરોબો રાજકીય નેતાઓ સાથે હોય તેવા શખ્શો મહાનગરપાલિકા પાસે પ્રોજેક્ટના નિયમ અનુસારના પ્લાન મંજુર કરાવ્યા વગર જ બાંધકામ શરૂ કરી દેતા હોય છે જેમાં ફાયરસેફટી, ઓપન પ્લોટ- સ્પેસ ના નિયમોને નેવે મૂકીને ત્યાં રહેવા આવનાર કે આસપાસ રહેતા શહેરીજનોની જિંદગીને ખતરામાં મુકતા હોય છે. ત્યારે હવે આ કડીમાં રાજકીય નેતાઓ પણ પાછા નથી પડી રહ્યા તેવો એક તાજો કિસ્સો સામે આવ્યો છે.
સુરતજના કતારગામ ઝોનમાં આવતા સિંગણપોર વિસ્તારમાં આવેલી ભગુનગર સોસાયટીમાં સોસાયટીના ઓપન પ્લોટની જગ્યામાં કથિત રીતે ભાજપના મહિલા કોર્પોરેટર રંજન સરતાનપરા અને તેના પતિ સુંદર સરતાનપરા સ્થાનિક અધિકારી વત્સલ ગામીતની દેખરેખ હેઠળ એક ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે. જેનો વિરોધ છેલ્લા છ માસથી સોસાયટીના પ્રમુખ સહિતના રહીશો કરી રહ્યા છે.
આ મામલે સ્થાનીક યુવાન સાથે વાતચીતમાં જણાવ્યા અનુસાર, ભગુનગર સોસાયટીના રહીશો છેલ્લા છ માસથી ઝૉન ઓફિસ, મુખ્ય ઝોન ઓફિસમાં ઓનલાઇન, લેખિત ફરિયાદો કરી રહ્યા છે પરંતુ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી નથી થઇ રહી જેના અનુસંધાને આજે સોસાયટી ના રહીશો, મહિલાઓ યુવાનો મુગલીસરા મહાનગરપાલિકા નું મુખ્ય કચેરીએ પહોંચી જઈને કમિશ્નરશ્રી ને આવેદન આપ્યું હતું અને કાર્યવાહી કરવા અરજી કરી હતી. જ્યાં યુવાનોએ ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ નારેબાજી કરીને રોષ વ્યક્ત કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય વાત તો એ છે કે આ બાંધકામ ભાજપના સ્થાનિક ધારાસભ્ય વિનોદ મોરડિયાના કાર્યાલયની સામે જ થઇ રહ્યું છે, જેમની પાસે પણ સ્થાનિકો રજુઆત કરી ચુક્યા છે પરંતુ તેઓ પણ આ બાંધકામ કરનાર પોતાના જ પક્ષના નેતા વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરી શક્યા નથી. સુરતમાં માત્ર ભાજપ જ નહીં અમુક અન્ય પક્ષના ચૂંટાયેલ પ્રતિનિધિઓ પણ આવા કાર્યો કરીને શહેરીજનો અને મહાનગપાલિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આખરે આ સિલસિલો ક્યારે અટકશે!?