શું હકીકતમાં અલ્લુ અર્જુને 14 દિવસ સુધી રહેવું પડશે જેલમાં? પુષ્પા 2ની સફળતા વચ્ચે મોટો ઝટકો

Pushpa 2 Allu Arjun: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને નામપલ્લી કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે આજે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR નોંધી હતી અને હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ધક્કામુક્કીના કેસમાં તેની ધરપકડ કરી હતી. આ પછી, પોલીસે (Pushpa 2 Allu Arjun) તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. બીજી તરફ અલ્લુ અર્જુનની અરજી પર પણ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ
લોઅર કોર્ટ દ્વારા અલ્લુ અર્જુનને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ, જોવાનું રહે છે કે તેલંગાણા હાઈકોર્ટ તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરશે કે નહીં. રિમાન્ડ અંગેનો ખેલ હજુ પૂરો થયો નથી. હાલમાં તમામની નજર હાઈકોર્ટના નિર્ણય પર ટકેલી છે. પુષ્પા 2ની સ્ક્રિનિંગ સમયે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મચેલી ધક્કામુક્કીમાં એક મહિલાનું મોત થયું હતું. પુષ્પા-2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન અલ્લુ અર્જુન જ્યારે થિયેટરમાં આવ્યો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચવાને કારણે ધક્કામુક્કી થઈ હતી. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. તેનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી, ફરિયાદના આધારે, પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી.

અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી
અલ્લુ અર્જુનની તેના ઘરની નજીક ધરપકડથી લઈને નામપલ્લી કોર્ટમાં તેની હાજરી સુધી, બધુ સસ્પેન્સમાં રાખવામાં આવ્યુ. આ ઘટનાક્રમને જોતા પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા લીધા હતા. બીજી તરફ, તેલંગાણાના સીએમએ અલ્લુ અર્જુનની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કાયદા સમક્ષ દરેક સમાન છે… કાયદો આ મામલે પોતાનું કામ કરશે. તેમણે કહ્યું કે આમાં કોઈ પણ દખલગીરી કરવામાં આવશે નહીં.

વિપક્ષી નેતાઓએ અલ્લુ અર્જુનની ધરપકડની નીંદા કરી
વિપક્ષી નેતાઓએ અલ્લુ અર્જુનની ધરપકડની નીંદા કરી છે. બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટીઆરએ કહ્યું કે અલ્લુ અર્જુન પ્રત્યે સરકારનું વલણ યોગ્ય નથી. અલ્લુ અર્જુનને સામાન્ય ગુનેગાર માનવો યોગ્ય નથી. કેન્દ્રીય મંત્રી બંદી સંજયે અલ્લુ અર્જુનની ધરપકડ માટે સરકારને જવાબદાર ગણાવી હતી. નાસભાગમાં એક મહિલાનું મોત થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે નાસભાગ માટે સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી.

FIR રદ કરવાની માગણી કરતી HCમાં અરજી
અલ્લુ અર્જુને સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો છે. અભિનેતાએ હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી તાકીદે સુનાવણી કરવાની અને પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR રદ કરવાની માંગ કરી છે. કોર્ટે અલ્લુ અર્જુનની અરજી સ્વીકારી લીધી છે.

સંધ્યા થિયેટર તરફથી અપાયેલો લેટર આવ્યો સામે
હૈદરાબાદના સંધ્યા થિયેટર અને પોલીસ પ્રશાસન વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુનના આગમનને લઈને વિવાદ થયો છે. થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેઓએ અભિનેતાના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે પુષ્પા 2 ના પ્રમોશન દરમિયાન તેઓએ પોલીસને અલ્લુ અર્જુનના આગમન વિશે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.