સૌરાષ્ટ્રમાં વરસાદ બન્યો ગાંડોતૂર: માણાવદરમાં તો જાણે આભ ફાટ્યું, દામોદર કુંડ થયા ઓવરફ્લો

Heavy Rain in Saurastra: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે મોડી રાત્રિથી આજે સવાર સુધી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.બીજી તરફ જૂનાગઢ જિલ્લાના(Heavy Rain in Saurastra) અનેક તાલુકા જળમગ્ન બન્યા છે. અવિરત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ બંધ કરવામાં આવતા અનેક ગામોના સંપર્ક કપાયા છે.

દામોદર કુંડ ઓવરફ્લો થયો
ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.ગતમોડી રાત્રીથી જ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે.ગિરનાર પર્વત ઉપર હજુ પણ ધોધમાર વરસાદ શરૂ છે.જૂનાગઢમાં ધોધમાર વરસાદને ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયાં હતાં. આ પાણીમાં ગાડી ફસાયાની ઘટના સામે આવી હતી.ગાડીને બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ લેવામાં આવી હતી.

ઉપલેટામાં જળબંબાકાર
રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરશ બે ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. તો ઉપલેટામાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. ધોરાજીના નાની પરબડીની ફુલજર નદી ઓવર ફ્લો થઈ છે. પુલ અને કોઝવે ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહારને અસર પહોંચી રહી છે.

જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
જૂનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. અવિરત વરસાદથી અનેક ગામોનો સંપર્ક કપાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.

મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
જૂનાગઢ શહેરમાં વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. સાબલપૂર, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતવરણમાં ઠંડડ જોવા મળી હતી.

નદીમાં પણ નવા નીરની શરૂઆત
ભારે વરસાદને પગલે જૂનાગઢ વંથલીના રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રસ્તાની વચ્ચે ઝાડ પડતા થોડા સમય માટે વાહન ચાલકોને થોડી મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ, ફાયર વિભાગ દ્વારા ઝાડને રોડ પરથી દૂર કરી લેવામાં આવતા વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી સુકી જગ્યાઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આ સાથે ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પણ નવા નીરની શરૂઆત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

માણાવદરમાં ડેમ ઓવરફ્લો
માણાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયાં છે. ગોકુલ, અમૃત અને ગિરિરાજ નગર સોસાયટીમાં પાણી ભરાયાં છે. ધોધમાર વરસાદને પગલે ગોઠણસમાં પાણી ભરાયાં છે. માણાવદરમાં આવેલો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.