કાનમાં હેડફોન લગાવીને ફરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો, 2 કુળદીપક બુજાયા

Rajkot train accident: રાજકોટમાં માલધારી ફાટક પાસે મોબાઇલમાં મશગુલ 12 વર્ષનો તરુણ કાનમાં હેન્ડ્સ ફ્રી કરાવી જતો હતો ત્યારે અચાનક ટ્રેન આવી ચડતા બનેવીએ સાળાને બચાવવા દોટ મૂકી હતી. પરંતુ કમનસીબે સાળો બનેવી બન્ને ટ્રેનની ઠોકરે ચડી જતા બંનેના (Rajkot train accident) કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. સાળા બનેવીના મોતથી બંને પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. બંનેના મૃતદેહને વતનમાં લઈ જવામાં આવ્યા છે.

જીજા અને સાળાનું ટ્રેનની અડફેટે થયું મોત
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં રહેતા બાબુ હરીન્દ્ર બેજરાજ ઉર્ફે વંશરાજ નામનો 12 વર્ષનો તરુણ અને તેના બનેવી અંગનું રામસરવે સોનકર (ઉ.વ.28) સાંજના છએક વાગ્યાના અરસામાં માલધારી ફાટક પાસે હતા. ત્યારે પોરબંદરથી રાજકોટ આવતી ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા અંગનું રામસરવે સોનકરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મૃતદેહને વતન લઇ જવામાં આવ્યો
12 વર્ષના તરુણને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તરુણે હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. સાળા બનેવીના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી સાળા બનેવીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાબુ હરીન્દર બે ભાઈ ચાર બહેનમાં નાનો હતો જ્યારે અંગનું રામ સરવે સોનકર ચાર ભાઈ બે બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્રી છે અને છેલ્લા સાત વર્ષથી અંગનું રામ સરવે સોનકર રાજકોટમાં સળિયા કટીંગનું કામ કરે છે. ગઈ કાલે 12 વર્ષનો તરુણ બાબુ હરીન્દર સોનકર કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવી મોબાઇલમાં મશગુલ હતો અને માલધારી ફાટક પાસે જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ટ્રેન આવી જતા અંગનું રામસરવે સોનકર સાળાને બચાવવા દોડીયો હતો પરંતુ કમનસીબે સાળા બનેવીનું ટ્રેનની ઠોકરે ચડી જતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર દ્વારા બંનેના મૃતદેહને ઉત્તરપ્રદેશ ખાતે વતનમાં લઈ જવામાં આવ્યા છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.