એક બટન મહિલાની રક્ષાનું! અમદાવાદના રસ્તાઓમાં લાગ્યા સેફટી બોક્સ, બટન દબાવતા થશે વીડિયો કોલ

Ahmedabad Women Safety Box: અમદાવાદમાં પોલીસ દ્વારા નાગરિકોની સલામતી અને સુરક્ષા વધુ ઝડપી બને તે માટે નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઈમરજન્સી કોલ બોક્સ શરૂ કર્યા છે. જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર અથવા અન્ય કોઈની મદદ પહોંચી ન શકે ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શકશે. દિવસે ને દિવસે આધુનિક ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓ, બાળકો અને અન્ય વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં લઈને અનોખી સુવિધા કાર્યરત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પોલીસ દ્વારા ગુનાહિત વિસ્તારોમાં ઈમરજન્સી(Ahmedabad Women Safety Box) સ્ટ્રીટ લાઈટ કેમેરા સાથે વીડિયો બોક્સ સ્થાપિત કરવામાં આવ્યા છે.

ઈમરજન્સી કોલ બોક્સ મદદરૂપ સાબિત થશે
જ્યારે કોઈ મહિલાને મુસાફરી દરમિયાન ભયની અનુભૂતિ થતી હોય અથવા કોઈ આકસ્મિક ઘટના મહિલા સાથે ઘટશે તેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય અથવા નાના બાળકોની સુરક્ષા હોય અથવા અન્ય કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય આમ આવી વિકટ સ્થિતિમાં શહેરીજનો માટે આ ઈમરજન્સી કોલ બોક્સ મદદરૂપ સાબિત થશે.

ઈમરજન્સી કોલ બોક્સ શું છે?
નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ પ્રકારની સિસ્ટમ શરૂ કરનાર અમદાવાદ ભારતનું પ્રથમ સિટી બન્યું છે. આ સ્ટ્રીટ વીડિયો બોક્સ દ્વારા મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ બોક્સમાં લાગેલું લાલ હેલ્પ બટન દબાવશે એટલે થોડી વારમાં જ તેમનો કોલ સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે અને વીડિયો કોલના માધ્યમથી પોલીસ સાથે વાતચીત કરી શકશે.

આગ લાગવાની ઘટના હશે તો ફાયર બ્રિગેડ પહોંચી જશે
જેના દ્વારા વ્યક્તિને જરૂરી મદદ ગણતરીની મિનિટોમાં મળી શકશે. જરૂર પડ્યે પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાંથી નજીકની PCR સેવા અને સિનિયર અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી શકે છે. વધુમાં જો મેડિકલ ઇમરજન્સીની જરૂર હશે તો 108 એમ્બ્યુલન્સ તથા આગ લાગવાની ઘટના હશે તો ફાયર બ્રિગેડ પણ પહોંચી જશે.

80 થી વધુ જગ્યાએ લાઈવ ફીડ કેમેરા લગાવવામાં આવ્યા
આ સિવાય કુદરતી આફત સમયે પણ જરૂરી મદદ મળી રહેશે. આમ આ ઇમરજન્સી કોલ બોક્સનું બટન દબાવી તાત્કાલિક મદદ મેળવી શકાશે. હાલ અમદાવાદમાં 80 થી વધુ જગ્યાએ લાઈવ ફીડ કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ આગામી સમયમાં 3000 થી વધુ ઈમરજન્સી બોક્સ લગાવવામાં આવશે.

ઈમરજન્સી કોલ બોક્સની વિશેષતા
આની ડિઝાઈન એલ એન્ડ ટી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટથી સજ્જ હશે. આ સિસ્ટમ ડસ્ટપ્રૂફ અને વોટરપ્રૂફ બનાવવામાં આવી છે. આ બોક્સ દ્વારા કોઈપણ મદદ માંગનાર વ્યક્તિને એક લાલ બટન દબાવવાનું રહેશે અને તુરંત જ સામેની તરફ પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરા અને બોક્સની અંદર આપેલા હાઈ રિઝોલ્યુશન નાઈટ વિઝન કેમેરા એક્ટિવ થઈ જશે. અને તેના વિઝ્યુઅલ પણ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે.વધુમાં આ કેમેરા હાઈ રિઝોલ્યુશન ધરાવે છે. જે સેન્સર આધારિત કાર્ય કરે છે. જેથી કોઈપણ સસ્પેક્ટ આ કેમેરામાં દેખાશે તેનું એલર્ટ તેના મેટા ફોટોગ્રાફ્સ એટલે કે એક સેકન્ડના 1000 ક્લિક પ્રમાણેના ફોટોગ્રાફ્સ ફિલ્ટર કરી શકાશે. આનાથી શકમંદની તાત્કાલિક અટકાયત કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા પણ થઈ શકશે.