ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના મેરઠ(Meerut)ના દૌરાલા(Daurala)માં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં આગ(Fire in a passenger train) લાગી હતી અને લોકો સમયસર ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેનમાંથી નીકળી રહેલી આગની ઝપેટને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પેસેન્જર ટ્રેનના બે ડબ્બા અને એન્જિનમાં આગ લાગ્યા બાદ બાકીના ડબ્બાઓને તેનાથી અલગ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન મુસાફરોએ આખી ટ્રેનને આગની લપેટમાં આવતા બચાવવા માટે તેને ધક્કો મારીને દૂર ધકેલી દીધી હતી.
સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેન શનિવારે સવારે દૌરાલા રેલ્વે સ્ટેશન પહોંચી, દૌરાલા રેલ્વે સ્ટેશન પહોંચે તે પહેલા જ 2 ડબ્બા અને એન્જીનમાં આગ લાગી, ત્યારબાદ ટ્રેનને દૌરાલા સ્ટેશન પર રોકી દેવામાં આવી. આ દરમિયાન ટ્રેનમાંથી ઉતરી મુસાફરોએ સમજદારી દાખવી અને રેલવે કર્મચારીઓની સાથે મળીને ટ્રેનના અન્ય ડબ્બાઓને આગની ઝપેટથી બચાવવા માટે ધક્કો મારવા લાગ્યા હતા. આ રીતે ટ્રેનના અન્ય ડબ્બા આગની ઝપેટમાં આવતાં બચી ગયા હતા.
એકતામાં છે તાકાત:
ભારે ટ્રેનને ખેંચવી કે ધક્કો મારવો એ અકલ્પનીય લાગે છે. પરંતુ જ્યારે સેંકડો લોકોએ એકસાથે પોતાની તાકાત એક જ દિશામાં લગાવી ત્યારે આખી ટ્રેનને લોકોએ એવી રીતે ખેંચી લીધી કે જાણે કોઈ કાર કે ઓટોને ધક્કો મારતા હોય. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને એકતાની શક્તિ કહી રહ્યા છે.
શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ:
રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, પરંતુ ટ્રેન દૌરાલા સ્ટેશન પર ઊભી હોવાથી આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. તમામ મુસાફરો ડબ્બામાંથી બહાર નીકળ્યા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી અને સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સહારનપુર પેસેન્જર સવારે 7.10 વાગ્યે દૌરાલા સ્ટેશન પહોંચવાનું હતું અને સામાન્ય રીતે દરરોજ મુસાફરો સ્ટેશન પર હાજર હતા. સ્ટેશન પર પહોંચ્યા ત્યારે અચાનક ટ્રેનના બે ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
થોડી વાર તો અફરાતફરી મચી ગઈ:
રેલવે અધિકારીઓએ તાત્કાલિક આગની ઝપેટમાં આવેલ બંને ડબ્બામાંથી મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સ્થળ પર નાસભાગ જેવી સ્થિતિ પ્રવર્તી હતી, પરંતુ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેજ પવનને કારણે અગ્નિશમન દળના જવાનોને આગ ઓલવવામાં ઘણી મહેનત કરવી પડી હતી. જેના કારણે મેરઠ-સહારનપુર રેલ્વે માર્ગ પ્રભાવિત થયો હતો અને ઘણી મહત્વની ટ્રેનોને અસર થઈ હતી. જેમાં દિલ્હી દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસ, શાલીમાર એક્સપ્રેસ અને નૌચંડી એક્સપ્રેસ જેવી ટ્રેનોનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.